Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

'કોકટેલ દેશી' અને 'લાઇફ મંત્ર'ની ભવ્ય સફળતા બાદ 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ' પ્રસ્તુત કરશે નવો નક્કોર અફલાતૂન કાર્યક્રમ

૧૬મીએ 'ગુજરાત્રી'ની ધમાકેદાર ઇવેન્ટ 'મૌજે ગુજરાત'

ધૂરંધર કલાકારો આદિત્ય ગઢવી, હિમાલી વ્યાસ નાયક, પ્રહર વોરા, ગાથા પોટા, વિરલ રાચ્છ, ડો. રઇશ મણીયાર, મિલિન્દ ગઢવી, કવિ હિરેન સુબા, પિયુષ ખખ્ખર લોકોને ઝુમતા કરી દેશેઃ હેમુ ગઢવી હોલમાં આયોજનઃ ગુજરાતના વિવિધ પ્રદેશોના પ્રચલિત સંગીત, કવિતા, લોક સંગીત, કિસ્સા-કહાનીઓને ગુજરાતી કાવ્ય અને હાસ્યના રંગે રંગી સુચારૂ સંકલન અને સંચાલનના સંગાથે ભરપુર મનોરંજન સાથેનો તેમજ ગુજરાતી હોવાના ગૌરવને ઉજવી શકાય તેવો શો માણવા અને નિહાળવા મળશે

રાજકોટ તા. ૪: 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ' ગુજરાત્રી હવે ગુજરાતીતાનું ગરવું સરનામુ બની ગયેલ છે. અગાઉ ગુજરાત્રી પ્રસ્તુત અલગ-અલગ ઇવેન્ટ્સની જ્વલંત સફળતા પછી હવે તદ્દન નવી નક્કોર ઇવેન્ટ્સ લાવવામાં આવી રહી છે. જેનું શિર્ષક છે-'મૌજે ગુજરાત'. ૧૬મી નવેમ્બરે શનિવારે હેમુ ગઢવી હોલ ખાતે 'મૌજે ગુજરાત-ટેલ્સ એન્ડ સોંગ્સ ઓફ ગુજરાત'નો પ્રથમ શો યોજાઇ રહ્યો છે. ગુજરાતના વિવિધ પ્રદેશોના પ્રચલિત સંગીત, કવિતા, લોક સંગીત, કિસ્સા-કહાનીઓને ગુજરાતી કાવ્ય, હાસ્યના રંગે રંગી સુચારૂ સંકલન અને સંચાલન દ્વારા ત્રણ કલાકનો અગાઉ કદી ન થયો હોય તેવો મનોરંજન સાથેનો અને ગુજરાતી હોવાના ગૌરવને ઉજવી શકાય તેવો શો માણવા-નિહાળવા મળશે. ગુજરાત્રીની આ નવી ઇવેન્ટને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી-ગાંધીનગરનો સહયોગ પ્રાપ્ત થયો છે.

વિશ્વમાં આગવી ઓળખ ધરાવતાં ગુજરાત રાજ્યનો એક આગવો મિજાજ છે. તો વળી ગુજરાતની અંદર વસેલા શહેરો અને વિસ્તારોનો પણ અલગ જ અંદાજ છે. વિખ્યાત કહેવત છે કે-'બાર ગાઉએ બોલી બદલાય'. આ વાત સોએ સો ટકા સાચી છે જે. પરંતુ એનાથી આગળ વધતાં કહી શકાય કે માત્ર 'બોલી' જ નહિ, ગીતો, વાતો, પહેરવેશ, લોક સંગીત, નૃત્યો અને ઘણું બધુ બદલાય જતું હોય છે. નથી બદલાતી તો એ છે મૌજ. ગુજરાતી એટલે મોજીલો, રંગીલો અને પાછો પાક્કો, વચનનો અને સ્વભાવનો બંનેનો!

સોૈરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત જેવા વિવિધ પ્રદેશો અને શહેરોમાં રહેલા સંગીત અને પ્રચલિત ગીતોના વૈવિધ્યને, તે વિસ્તારોના મિજાજ, ઓળખ અને વાતો સાથે વણીને ગુજરાતી હોવાના ગૌરવને ઉજવવાનો એક અનોખો, અલગ જ પ્રયાસ એટલે મૌજે ગુજરાત. ત્રણ કલાક સુધી ગુજરાતી ગીત, સંગીત, કવિતા અને હાસ્યની એક ગર્વીલી સફર એટલે મૌજે ગુજરાત.

સોૈરાષ્ટ્રના અગ્રીમ હરોળના, મોખરાના સાંધ્ય દૈનિક 'અકિલા'ના શ્રી નિમિષભાઇ ગણાત્રાની રાહબરી હેઠળ અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સએ ગુજરાતી ભાષ અને સંગીતના યાદગાર કાર્યક્રમોની હારમાળા 'ગુજરાત્રી' અંતર્ગત સર્જીને એક માતબર ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે પણ અગ્રીમ હરોળમાં સ્થાન બનાવ્યું છે.

દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ  અને ખાસ કરીને યુવાનો સમક્ષ ગુજરાતી ભાષા, સાહિત્ય, સંગીતને નવા અનોખા અંદાજમાં પ્રસ્તુત કરીને અને તેનો ફેલાવો કરવાના ઇરાદે અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ 'ગુજરાત્રી'ના માધ્યમથી વિવિધ રંગીલા કાર્યક્રમો યોજી રહ્યું છે. 'ગુજરાત્રી' નિર્મિત 'કોકટેઇલ દેશી' હોય કે 'લાઇફ મંત્ર'...ગુજરાતી કવિતા, સંગીત, ગધ્ય સાહિત્યના વિવિધ રંગોને ઉજાગર કરતાં ડિઝાઇનર-પાવર પેક શોઝ પ્રેક્ષકો અને ભાવકો પર એક આગવી છાપ છોડવામાં સફળ રહ્યા છે. મંચ પર હાઉસફુલ ઓડિયન્સએ આ કાર્યક્રમોની મૌજ માણી જ છે, ઉપરાંત ઇન્ટરનેટ પર લાખોની સંખ્યામાં દેશ-વિદેશના ગુજરાતીઓએ 'ગુજરાત્રી'ના શોઝને બિરદાવ્યા એ અલગ અને બહુ મોટી ઘટના છે.

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી સિરીઝના ભાગ રૂપે હવે 'મૌજે ગુજરાત-ટેલ્સ એન્ડ સોંગ્સ ઓફ ગુજરાત' નામની ઇવેન્ટ સર્જવા જઇ રહ્યું છે. અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સની પરિકલ્પના-નિર્માણમાં અને ગુજરાતી તખ્તાના જાણીતા દિગ્દર્શક વિરલ રાચ્છના ડિઝાઇન-દિગ્દર્શનમાં, ગુજરાતી ભાષાના જાણીતા યુવા ગાયકો આદિત્ય ગઢવી, હિમાલી વ્યાસ નાયક, પ્રહર વોરા, ગાથા પોટા સાથે સમર્થ અને જાણીતા કવિ-સંચાલક હાસ્યકાર ડો. રઇશ મણિયાર, યુવા કવિ-સંચાલક મિલિન્દ ગઢવીનો કાફલો  આ ઇવેન્ટ્સને વધુ ધમાકેદાર બનાવશે.

આ કાર્યક્રમથી વિવિધતા ભર્યા ગુજરાતના સંગીત, કવિતા, કિસ્સા, કહાની સાથે ગુજરાતના વિવિધ પ્રદેશ, વિસ્તારની ઓળખ, ખાસિયત પ્રસ્તુત કરી દરેકના મનમાં ગુજરાતી હોવાના ગૌરવને ઉજાગર કરીને ગુજરાતના વિવિધ વિસ્તારો, પર્યટન સ્થળો તરફ નવું અને આગવું આકર્ષણ ઉભુ થશે તે ચોક્કસ છે.

વૈવિધ્યસભર વિષયોને આવરી લેતાં જાણીતા અને ચૂંટેલા ગીતોનો ગુલદસ્તો, રિસર્ચ અને ચિવટથી તૈયાર કરવામાં સ્ક્રીપ્ટની હળવી છતાં ચોટદાર શૈલીમાં રજૂઆત અને ભવ્ય ડિઝાઇન મઢ્યો આ કાર્યક્રમ 'મૌજ ગુજરાત' દરેક ઉમરના દેશ-વિદેશના ગુજરાતીઓ માટે એક યાદગાર સંભારણુ બની રહેશે. તો તૈયાર થઇ જજો ૧૬મી નવેમ્બરે 'ગુજરાત્રી'ની એક વધુ નવી નક્કોર ઇવેન્ટ-'મૌજે ગુજરાત' માણવા માટે.

મૌજ ગુજરાત ઇવેન્ટનાં ધૂરંધર કલાકારોને જાણો...

શ્રી આદિત્ય ગઢવી

લોકગાયક (સુફી-સુગમ)

વિખ્યાત લોક કલાકાર અને સંગીત નાટ્ય અકાદમી, ગુજરાતના પૂર્વ અધ્યક્ષ યોગેશ ગઢવીના સુપુત્ર આદિત્ય ગઢવીએ સંગીતની તાલીમ વિખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનની એકેડેમીમાંથી મેળવી છે. લોક ગાયિકા અને ચારણી સાહિત્યમાં દાયકાઓથી પોતાનું પ્રદાન આપી રહેલા પરિવારમાં જન્મેલ આદિત્યએ લોક ગાયકી ઉપરાંત સુફી અને ફયુઝનને એક જુદા જ અંદાજમાં પ્રસ્તુત કરી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે.

૨૦૧૪માં ઓસ્કાર નોમીનેશનમાં બે ગીતો આદિત્યએ ગાયેલા અને શોર્ટ લીસ્ટ થયેલા. તેમનું 'હંસલા' ગીત વિખ્યાત GIMA એવોર્ડ માટે ૨૦૧૫માં નોમીનેટ થયેલું. ગુજરાતના સૌથી વધુ TRP ધરાવતા શો 'લોક ગાયક ગુજરાત'ના વિજેતા રહી ચૂકેલ આદિત્ય ગઢવી નવી પેઢીમાં લોક સંગીતનું એક જાજરમાન નામ છે, જે 'મૌજે ગુજરાત'માં લોક સંગીતના રંગો ઉમેરશે.

સુશ્રી હિમાલી વ્યાસ નાયક

ગાયિકા (સુગમ/અર્બન/લોક સંગીત)

ખુબ જ યુવા વયે ગુજરાતી સંગીતમાં વિવિધ રંગોને સહજતાથી રજુ કરી શકવામાં મહારથ પ્રાપ્ત કરનાર હિમાલી વ્યાસ નાયક, હિન્દુસ્તાની કલાસિકલ અને વેસ્ટર્ન કલાસિકલ બન્નેમાં તાલીમ પ્રાપ્ત અજોડ કહી શકાય તેવા યુવા ગાયિકા છે.

૧૩ જેટલી ફિલ્મ-સિરીયલોમાં પ્લેબેક આપનાર ગાયિકા ફોક-ફયુઝન-કલાસિકલ-અર્બન-સુગમ જેવા વિવિધ ગુજરાતી રંગભર્યા સફળ કાર્યક્રમોમાં પોતાના અવાજનો જાદુ ભારત ઉપરાંત અમેરિકા, ચીન, UK, મિડલ ઇસ્ટના રાષ્ટ્રોમાં અનેકવાર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી ચુકયા છે. શ્રેષ્ઠ કળા સાધક એવોર્ડ કવિ શ્રી રાવજી પટેલ યુવા પ્રતિભા એવોર્ડ, સંગીત રત્ન એવોર્ડ, ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા 'Daughter of Gujarat'થી સન્માનિત ગાયિકા 'મૌજે ગુજરાત'માં પ્રખ્યાત ગુજરાતી સુગમ, લોક અને અર્બન ગીતોને પ્રસ્તુત કરી કાર્યક્રમને અલગ જ ઊંચાઇ પર લઇ જશે.

શ્રી પ્રહર વોરા

ગાયક (સુગમ/અર્બન)

માત્ર ૩ વર્ષની નાની વયે ગુજરાતી ફિલ્મમાં પ્લેબેક ગાયિકીથી સંગીત સફર શરૂ કરનાર પ્રહર વોરા ગુજરાતી સંગીતનું વર્તમાન પેઢીનું સૌથી વધુ ખ્યાતી પ્રાપ્ત યુવા નામ છે. સંગીત વિશારદ માતા અને સંગીત દિગ્દર્શક પિતાના વારસાને આગળ વધારતા આ ગાયકને ખુબ જ યુવા વયે ભારતભર અને વિદેશમાં મળીને ૬૦૦થી વધુ કાર્યક્રમમાં પોતાના કંઠનો જાદુ પાથરી ચુકયા છે.

વિખ્યાત ગાયકો અનુરાધા પૌંડવાલ, અલકા યાજ્ઞિક, ઉષા મંગેશકર વિગેરે સાથે મંચ પર સંગત કરનાર પ્રહર વોરા એક ટેલેન્ટેડ સંગીત નિર્દેશક પણ છે. તાજેતરમાં જ સોમનાથ મંદિરના વિખ્યાત 'Sound and Light' શો કે જેમાં લીજેન્ડ અમિતાભ બચ્ચનનો અવાજ છે એ શોમાં સંગીત નિર્દેશન અને પાર્શ્વ સ્વર પ્રહર વોરાના છે. નેશનલ લેવલ પર સુવર્ણ ચંદ્રક, વિખ્યાત રાવજી પટેલ યુવા એવોર્ડથી સન્માનીત, સુગમ-ગરબા ઉપરાંત અર્બન ગુજરાતી સંગીતના આ મહારથી 'મૌજે ગુજરાત'નો અભિન્ન હિસ્સો બનીને શ્રોતાઓને ડોલાવશે.

સુશ્રી ગાથા પોટા

ગાયિકા (અર્બન/ફયુઝન/સુગમ)

ગાથા પોટા સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહેલ લોકપ્રિય ગુજરાતી બેન્ડ 'રાજકોટ બ્લુઝ'ની લીડ સિંગર તેમજ શ્રીમતી પીયુબેન સરખેલની શિષ્યા છે. India’s Big Golden Voice Season-6માં સોનુ નિગમ દ્વારા ટોચના ૧૦ ગાયકોમાં પસંદગી પામેલ અને યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલમાં વિજેતાની હેટ્રીક નોંધાવનાર ગાથા પોટા 'મૌજે ગુજરાત'માં યુવા ગુજરાતનું અર્બન અને ફયુઝન ગુજરાતી સંગીતનું પ્રતિનિધિત્વ કરશે.

શ્રી વિરલ રાચ્છ

દિગ્દર્શન-સંચાલન

વિરલ રાચ્છ ગુજરાત સરકાર દ્વારા ૨૦૦૭-૦૮માં ગૌરવ પુરસ્કારથી સન્માનિત, દિગ્દર્શક-અભિનેતા-સંકલનકાર, અનેક એવોર્ડથી સન્માનીત કલાકાર છે. પ્રતિષ્ઠિત ૧૧ ચિત્રલેખા એવોર્ડ, ૩ ટ્રાન્સમીડિયા એવોર્ડ, USAમાં ગ્લોરીયસ ગુજરાતી એવોર્ડ અને અનેક વખત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા શ્રેષ્ઠ દિગ્દર્શન-અભિનેતાના એવોર્ડ, રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સુવર્ણ ચંદ્રકથી સન્માનિત એકમાત્ર દિગ્દર્શક-અભિનેતા.

વિખ્યાત ચિત્રલેખા મેગેઝીન દ્વારા ૫૦ ગૌરવવંતા ગુજરાતીમાં સ્થાન મેળવનાર, ગુજરાતી ભાષા, સાહિત્ય, સંગીતના વિવિધરંગી શોના ડીઝાઇનીંગ અને સંચાલનમાં નોખું અને મોખરાનું સ્થાન ધરાવે છે. 'ગુજરાત્રી'ના અગાઉનાં તમામ શોની જ્વલંત સફળતા બાદ 'મૌજે ગુજરાત' પણ તેમના જ દિગ્દર્શન અને સંચાલનમાં રજુ થશે.

ડો. રઇશ મણીયાર

કવિતા-હાસ્ય રસ

સુરત સ્થિત જાણીતા કવિ, નવલકથાકાર, નાટ્યલેખક, હાસ્યલેખક અને કોલમિસ્ટ, ગુજરાતીઓ માટે કોઇ નવું નામ નથી. વિખ્યાત અને પ્રતિષ્ઠિત અનેક એવોર્ડ્સ જેવા કે શયદા એવોર્ડ, કલાપી એવોર્ડ અને તાજેતરમાં જ નર્મદ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત ડો. રઇશ મણીયાર મંચ પર તેમની હળવી શૈલીના વકતવ્યો અને કવિતાઓ માટે ખુબ જ ખ્યાતીપ્રાપ્ત સર્જક તરીકે છેલ્લા દાયકામાં ઉભરી આવ્યા છે.

વિવિધ વિષયો, પ્રદેશોના રીસર્ચ અને અભ્યાસ માટે જાણીતા કવિ 'મૌજે ગુજરાત'માં રાજ્યના વિવિધ વિસ્તારોની જાણીતી રસપ્રદ વાતો અને કવિતાઓનો આસ્વાદ પોતાની આગવી હળવી રમુજભરી શૈલીમાં કરી, કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના વિશિષ્ટ હાસ્યના પ્રયોગથી અલગ જ રંગ ભરશે.

શ્રી મિલિન્દ ગઢવી

પ્રખ્યાત સંચાલક-કવિ

નરસિંહ મહેતાની ભૂમિ જુનાગઢમાં જન્મેલ કવિ મિલિન્દ ગઢવી ઉર્દુ અને ગુજરાતી બન્ને ભાષામાં કવિતા કર્મ કરતા સર્જક ઉપરાંત ખુબ જ વિખ્યાત સંચાલક છે. અસ્મિતા પર્વ-૨૦૧૪માં સંચાલન દ્વારા લાખો ગુજરાતીઓમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર કવિ-સંચાલક, દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમને પોતાની ભાવવહી અને અભ્યાસુ રજુઆતથી અજવાળી ચૂકયા છે.

યુનિવર્સિટી અને રાજ્ય કક્ષાએ અનેક વેળાએ કવિતા અને કાવ્ય પાઠમાં વિજેતા થયેલા કવિ મિલિન્દના તાજેતરમાં જ અકિલા ઇન્ડિયા પબ્લીકેશન દ્વારા પ્રકાશિત બે કાવ્ય સંગ્રહ મા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પૂ. મોરારીબાપુના વરદ હસ્તે રાજકોટ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યા હતા. કવિતા અને સંચાલન ઉપરાંત મિલિન્દ અર્બન ગુજરાતી ફિલ્મમાં ગીતકાર તરીકે હાલ ખુબ જ લોકપ્રિય છે. અનેક લોભજીભેલા ચડેલા ગુજરાતી ગીતો મિલિન્દની કલમથી નીકળી ગુજરાતીઓના હૃદયમાં પહોંચ્યા છે. ફિલ્મના ગીતકાર તરીકે મિલિન્દને ટ્રાન્સ મીડિયા એવોર્ડ, GIFA એવોર્ડ, ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ગીતકાર એવોર્ડ પ્રાપ્ત થયા છે. 'મૌજે ગુજરાત'માં મિલિન્દ ગઢવી પોતાની આગવી અદામાં સહ સંચાલન કરીને એક અનેરો રંગ ઉમેરશે.

કવિ હિરેન સુબા-પિયુષ ખખ્ખર

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સના પાયાના પથ્થર સમા કવિ હિરેન સુબા ઇવેન્ટ કો-ઓર્ડીનેર તરીકે 'મૌજે ગુજરાત'નું સમગ્ર નિર્માણ-પ્રસ્તુતિમાં વહીવટી ભૂમિકા સંભાળશે. તેઓ રાજકોટના પ્રસિદ્ધ સાંધ્ય અખબાર અકિલાની વેબસાઇટ www.akilanews.com પર છેલ્લા ઘણા વર્ષોથી કસુંબો વિભાગનું પણ સફળ સંચાલન કરી રહ્યા છે અને તેમના દ્વારા રચાયેલ શાયરી અને કવિતાઓ થકી ખુબ લોકચાહના ધરાવે છે.

યુવા અદાકાર પિયુષ ખખ્ખર રંગમંચનો જાણીતો ચહેરો છે. અને તેઓ 'મૌજે ગુજરાત'માં પોતાની કલાના કામણ પાથરશે.

'મૌજે ગુજરાત'ના ફ્રી પાસ મેળવવા માટે ૧૦મીથી થઇ શકશે ઓનલાઇન રજીસ્ટ્રેશન

'ગુજરાત્રી'ના રજીસ્ટર્ડ યુઝર્સ સવારે ૯ થી ૧૨ અને એ પછીના સમયમાં કોઇપણ લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશેઃ પાસ હશે તો પણ એન્ટ્રી વહેલા તે પહેલાના ધોરણે જ આપવામાં આવશેઃ હોલ ફૂલ થઇ ગયા પછી નો-એન્ટ્રી

રાજકોટ તા. ૪: 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ' ગુજરાત્રીની અફલાતૂન નવી નક્કોર ઇવેન્ટ 'મૌજે ગુજરાત' માણવા વિનામુલ્યે પાસ મેળવવા માટે તા. ૧૦ નવેમ્બરથી પ્રક્રિયા શરૂ થશે. જેમાં 'ગુજરાત્રી'ના જે રજીસ્ટર્ડ યુઝર્સ છે તેઓ સવારે ૯ થી ૧૨ના સમયગાળામાં રજીસ્ટ્રેશન કરાવી ફ્રી પાસ મેળવી શકશે.

જ્યારે બાકીના લોકો બપોરે ૧૨ પછીથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી ફ્રી એન્ટ્રી પાસ મેળવી શકશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન 'gujratri.in' પર કરવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનિય છે કે ૧૬મી નવેમ્બરે શનિવારે સાંજે શ્રી હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારી 'મૌજે ગુજરાત' ઇવેન્ટમાં  વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ફ્રી એન્ટ્રી પાસ મેળવેલો હશે તો પણ જો હોલ ફુલ થઇ ગયો હશે તો એન્ટ્રી આપવામાં આવશે નહિ. વ્યવસ્થાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી સમયસર એન્ટ્રી મેળવી લેવી જરૂરી છે.

(2:18 pm IST)