Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સોનિયા ગાંધીના પુત્રમોહથી કોંગ્રેસ તબાહ થઇ રહી છેઃ પંકજ શંકર

રાહુલ ગાંધી એક વિદ્યાર્થી છે અને તેઓ હજી સુધી પ્રયોગો જ કરી રહ્યા છે, તેમના પ્રયોગોથી કોંગ્રેસ તબાહ થઇ રહી છે

નવી દિલ્હી તા. ૪ :.. ગાંધી પરિવારની અત્યંત નિકટ મનાતા અને વર્ષોથી પરિવારની પડખે રહેલા નેતા પંકજ શંકરે પણ હવે રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢી છે.

એક ચેનલ સાથેની વાતચીતમાં શંકરે એક પછી એક નિવેદનમાં રાહુલ ગાંધી પર આરોપો મૂકીને ખળભળાટ મચાવી દીધો છે. કોંગ્રેસની રણનીતિ ઘડવામાં છેલ્લા ર૭ વર્ષથી મહત્વનો ભાગ ભજવી રહેલા શંકરે કહયું છે કે સોનિયા ગાંધીના પુત્રમોહમાં કોંગ્રેસ બરબાદ થઇ રહી છે.

રાહુલ ગાંધી એક વિદ્યાર્થી છે અને તેઓ હજી સુધી પ્રયોગો જ કરી રહ્યા છે. તેમના પ્રયોગોથી કોંગ્રેસ તબાહ થઇ રહી છે. રાહુલ ગાંધીનો વાસ્તવિકતા સાથે કોઇ સબંધ જ નથી. તેઓ કોંગ્રેસને ખતમ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીના મીડિયા મેનેજર રહી ચૂકેલા શંકરે કહયું હતું કે પ્રિયંકા ગાંધીમાં પાર્ટી અધ્યક્ષ બનાવા માટેની કાબેલિયત છે, પણ રાહુલ ગાંધી તેમનો રસ્તો રોકી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીના નામથી બીજેપી જ નહીં, પણ આરએસએસનું નાગપુર હેડ કવાર્ટર પણ ડરે છે. તેઓ ઇચ્છતા નથી કે પ્રિયંકા ગાંધી અધ્યક્ષ બને. રાહુલ ગાંધીનો કાર્યકરો સાથેનો સંવાદ પણ નથી રહ્યો જેનાથી લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. કોઇને કોંગ્રેસ છોડવાનું ગમતું નથી, પણ રાહુલ ગાંધી કાર્યકરોને મળવા જ નથી માગતાં.

(11:42 am IST)