Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પાંચ રૂપિયાથી ઓછી કિંમતના ડોઝની દવાઓને ભાવ નિયંત્રણમાંથી મુકિત આપવાની તૈયારી

દેશમાં ૧.૩૬ લાખ કરોડનું છે દવા બજારઃ જો આવું થયું તો આવી દવા બનાવતી કંપનીઓ દર વર્ષે ૧૦ ટકા ભાવ વધારો કરશે

મુંબઈ, તા. ૪ :. પાંચ રૂપિયા પ્રતિ ડોઝથી ઓછી કિંમતવાળી દવાઓને ભાવ નિયંત્રણ વ્યવસ્થામાંથી બહાર કાઢી શકાય છે. જો આવુ થશે તો આવી દવાઓ બનાવતી કંપનીઓ દર વર્ષે ૧૦ ટકા સુધી ભાવો વધારી શકે છે. જરૂરી દવાની રાષ્ટ્રીય યાદી (એનએલઈએમ)ને અપડેટ કરવામાં આવી રહી છે. દવાઓની સ્થાયી રાષ્ટ્રીય સમિતિ (એનએસસીએમ)ની આ અઠવાડીયે મીટીંગ થવાની શકયતા છે. સમિતિ ૨૦૧૫ની યાદીની સમિક્ષા કરી રહી છે. સરકાર અને ઉદ્યોગના સૂત્રોએ તેની પુષ્ટિ કરી છે.

દેશમાં ૧.૩૬ કરોડ રૂપિયાનું દવાનુ બજાર છે. જેમાંથી લગભગ ૧૯ ટકા દવાઓ ભાવ નિયંત્રણ હેઠળ આવે છે. તેમાંથી લગભગ ૪ થી ૫ ટકા દવાઓ એવી છે જેના એક ડોઝની કિંમત ૫ રૂપિયાથી ઓછી છે. અહીં એક ડોઝનો અર્થ એક ગોળી અથવા કેપ્સ્યુલ છે. દવા ઉદ્યોગના એક સૂત્રએ કહ્યું દવા ઉદ્યોગ લગભગ એક વર્ષથી આ બાબત પર ભાર મુકી રહ્યો હતો. આ પ્રક્રિયામાં સામેલ એક દવા કંપનીના મેનેજીંગ ડાયરેકટરે કહ્યું કે સરકાર સાથે ઘણી મીટીંગો પછી ઉદ્યોગે પ્રસ્તાવ મુકયો છે કે ૫ રૂપિયા પ્રતિ ડોઝથી ઓછી કિંમતવાળી દવાઓને ભાવ નિયંત્રણમાંથી મુકિત આપવી જોઈએ. બજારમાં હરિફાઈ એટલી છે કે આ દવાઓના ભાવ આપોઆપ કાબુમાં રહેશે.

એનએલઈએમની નવી યાદીને મુસદ્દો બનાવવામાં સક્રિય એક ઉચ્ચ સરકારી અધિકારીએ પણ આની પુષ્ટિ કરીને કહ્યું કે ઉદ્યોગે ૫ રૂપિયા પ્રતિ ડોઝથી ઓછી કિંમતવાળી દવાઓને ભાવ નિયંત્રણમાંથી બહાર રાખવાનો પ્રસ્તાવ મુકયો છે. અત્યારે તેના પર વિચાર થઈ રહ્યો છે.

ભાવ નિયંત્રણ યાદીમાં સામેલ દવાઓની કિંમત રાષ્ટ્રીય ઔષધ મૂલ્ય પ્રાધીકરણ (એનપીપીએ) નક્કી કરે છે. એક જટીલ સૂત્રના આધાર પર દવાઓને ઔષધ વિભાગ ભાવ નિયંત્રણ આદેશ ૨૦૧૩ હેઠળ અધિસૂચિત કરે છે, ત્યાર પછી એનપીપીએ આ દવાઓની મહત્તમ કિંમત બહાર પાડે છે. દવા નિર્માતા કંપનીએ તેનાથી વધારે કિંમતો પર તે દવાઓ નથી વેચી શકતી. એનપીપીએ નિયમિત રૂપે દવાઓની કિંમતો નક્કી કરતી રહે છે. એનએલઈએમ દવાઓ સાથે મહત્વપૂર્ણ વાત એ જોડાયેલી છે કે તેમા વાર્ષિક વધારો મોંઘવારી ભાવાંક (ડબલ્યુપીઆઈ) સાથે જોડાયેલો છે. જો કે કંપનીઓ એનએલઈએમ યાદી સિવાયની દવાઓની કિંમતમાં વાર્ષિક ૧૦ ટકા સુધીનો વધારો કરી શકે છે. એનએલઈએમ ૨૦૧૫માં સ્ટેન્ટ જેવા મેડીકલ ઉપકરણોની સાથે ૩૭૫થી વધારે દવાઓ સામેલ છે.

(11:11 am IST)