Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મહારાષ્ટ્ર : ભાજપ 'કુરબાની' આપવા તૈયાર!!

દેવેન્દ્ર ફડણવીસની શિવસેનાને ૫૦-૫૦ ટકાની ઓફર?: આજે અમિત શાહને મળશે ફડણવીસઃ શિવસેના પણ ઠંડી પડી

મુંબઇ,તા.૪: મહારાષ્ટ્રમાં આગામી સરકાર સ્થાપવા માટે બીજેપીએ શિવસેનાને સમાન પોર્ટફોલિયો આપવાની ઓફર કરી હોવાનું જાણવા મળ્યું હતું ઓફરને જોઇને શિવસેના પણ અઢી વર્ષ શિવસેનાના મુખ્ય પ્રધાનપદની માગણી બાબતે નરમ પડી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું ચુંટણીના પરિણામ બાદ પહેલી વખત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને નવી ફોર્મ્યુલાની ઓફર કરી હતી. બીજેપીની ઓફર મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં એક કેબિનેટ પ્રધાન અને એક રાજયકક્ષાના પ્રધાનપદની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું મહારાષ્ટ્રમાં પણ સત્તામાં ૫૦-૫૦ ટકા ભાગીદારીની માગણી શિવસેનાએ કરી છે.

સુત્રોએ જણાવ્યા મુજબ શનિવારે મોડી રાત્રે બન્ને પક્ષ વચ્ચે આ બાબતે વાતચીત થઇ હતી.જો કે ચુંટણીનાં પરિણામ આવ્યા બાદ હજી સુધી બન્ને પક્ષ વચ્ચે સત્તાવાર રીતે આગામી સરકાર અને મંત્રાલયો વચ્ચે કોઇ વાતચીત જાહેર નથી થઇ, પરંતુ દેવેન્દ્ર ફડણવીસે પાછલે દરવાજેથી ઉદ્ધવ ઠાકરે સાથે વાટઘાટ કરી લીધી છે.

સુત્રોએ જણાવ્યા મુજબ દેવેન્દ્ર ફડણવીસના દૂતે બીજેપીની લેટેસ્ટ ઓફર બાબતે ઉદ્ધવ ઠાકરેના ઘરે જઇને વાતચીત કરી હતી. ઉદ્ધવ ફડણવીસે સાથે આ બાબતે વાતચીત કરવાની તૈયારી દાખવી હતી. જેથી આગામી બે દિવસમાં બન્ને પક્ષના વરિષ્ઠની બેઠક થવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા બીજેપીએ શિવસેનાએ એક ઓફર આપી હતી. નવી સરકારમાં બીજેપી મુખ્ય પ્રધાનપદની સાથે ૨૬ પ્રધાનપદ રાખશે અને શિવસેનાને નાયબ મુખ્ય પ્રધાનપદની સાથે ૧૩ પ્રધાનપદની વાત હતી. શિવસેનાએ આ ઓફર ફગાવી દેવાથી શનિવારે ૫૦ -૫૦ ની ફોમ્યુલાની નવી ઓફર આપી હોવાનું કહેવાય છે.

(11:09 am IST)