Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ધસમસતી આવે છે 'મહા મુસીબત': ગુરૂ-શુક્ર અતિ ભારે વરસાદની આગાહી

દરિયાકાંઠે બોટોના ખડકલાઃ 'એનડીઆરએફની ટીમો' તૈનાતઃ સ્ટેન્ડ-ટુ રહેવા અધિકારીઓ-કર્મચારીઓને આદેશ

રાજકોટ, તા.૪: 'મહા' સંકટને કારણે ૭ અને ૮ તારીખે રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે આજે એટલે ૪ નવેમ્બરે તથા ૭ અને ૮ નવેમ્બર એટલે ગુરૂ અને શુક્રવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત પર સર્જાયેલું મહા વાવાઝોડાનું સંકટ હજી ટળ્યું નથી. આ વાવાઝોડું હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય છે. ૬ નવેમ્બરે દીવ-દ્વારકાની વચ્ચે સિવીયર સાયકલોનિક સ્ટોર્મ તરીકે ટકરાય તેવી સંભાવના છે.

જેના કારણે દિવ દ્વારકાનાં દરિયા કિનારે ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશ. આ સાથે આજે એટલે ૪ નવેમ્બરે તથા ૭ અને ૮ નવેમ્બર એટલે ગુરૂ અને શુક્રવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ પ્રમાણે હાલમાં સૌરાષ્ટ્રના વેરાવળના દરિયાકાંઠાથી આ વાવાઝોડું ૫૭૦ કિલોમીટર જયારે દીવ થી ૧૫૦ કિલોમીટર દૂર છે. વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેની અસર શરૂ થઈ ગઈ છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં ચારથી પાંચ મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં હવામાન વાદળછાયું બન્યું છે અને હળવો વરસાદ પણ વરસી રહ્યો છે. આજે ૪ નવેમ્બરનાં રોજ જામનગર, મોરબી તથા દ્વારકામાં અતિભારે વરસાદની શકયતાઓ છે.

આ સાથે ૭ નવેમ્બરનાં રોજ અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દિવમાં આગાહી છે. જયારે ૮ નવેમ્બરે પણ અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાત સરકારનાં મહેસૂલ ખાતાનાં રાહત કમિશનર દ્વારા તમામ જિલ્લા કલેકટરને લેખિતમાં આદેશ કરાયો છે. જેમાં ઊભી થનારી કુદરતી આપત્તિની સ્થિતિમાં રાહત અને બચાવની કામગીરી કરવા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. જે વિસ્તારોમાં મહત્તમ અસર થવાની છે ત્યાં NDRFના ટીમને મોકલવાની તૈયારી કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૩૦૦થી વધુ બોટને પરત લાવી દેવામાં આવી છે. આમ, અરબી સમુદ્રમાં થયેલું 'મહા' વાવાઝોડું 'મહા' વિનાશ વેરે એવી દહેશત સેવાઇ રહી છે.

(11:40 am IST)