Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

કાશ્મીરમાં રાજકીય નજરકેદીઓને ૯૦ દિવસ હોટલમાં રાખવાનું બિલ ૨.૬૫ કરોડ રૂપિયા

પ્રશાસને હોટલ બિલને નકાર્યુ, સરકારી રેટ પ્રમાણે બિલની ચૂકવણી કરવામાં આવશે

શ્રીનગર, તા.૪: આર્ટિકલ ૩૭૦ હટાવ્યા પછી રાજયના ૩૪ રાજકીય બંદીઓને પ્રખ્યાત સંતૂર હોટલમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ ઠંડીએ જોર પકડતા તેઓેને શિફટ કરવાની ફરજ પડી છે. પ્રશાસન મુજબ હોટલમાં ઠંડીથી બચવા માટે યોગ્ય તાપમાન બનાવી રાખવાની વ્યવસ્થા નથી.

આ હોટલમાં નેશનલ કોંન્ફ્રેસ, પીડીપી, પીપલ્સ કોંન્ફ્રેસના નેતાઓ સિવાય પ્રમુક સામાજીક કાર્યકર્તાઓ નજરબંદ રાખવામાં આવ્યા હતા. આ સાથે તેમના સુરક્ષા માટે તૈનાત સુરક્ષા દળના જવાનોની પણ ઠંડી સામે સુરક્ષાની અગવડ ઉભી થઇ હોવાના અહેવાલ છે.

જો કે ૯૦ દિવસ સુધી નેતાઓ, કાર્યકર્તાઓને નજરકેદ રાખવા પાછળ ભારતીય પર્યટન વિકાસ નિગમની માલિકીવાળા આ હોટલે ગૃહ મંત્રાલયને ૨.૬૫ કરોડ રુપિયાનું બિલ મોકલાવ્યું છે. આ બિલ હોટલમાં રાખવામાં આવેલા રાજકીય નજરકેદીઓ માટે હતું. પરંતુ પ્રશાસને હોટલના બિલને માનવાથી ઇન્કાર કર્યો હતો. પ્રશાસને દાવો કર્યો હતો કે, હોટલને પાંચ ઓગસ્ટે એક સહાયત જેલમાં ફેરવી દેવામાં આવી હતી. જેથી તેની ચૂકવણી સરકારી રેટ મુજબ કરવામાં આવશે. અધિકારીઓ મુજબ પ્રશાસને આ માટે પ્રતિ દિવસના ૮૦૦ રુપિયા રેટ નક્કી કર્યો હતો, જયારે હોટલ પ્રતિ દિવસના ૫૦૦૦ રુપિયા વસૂલે છે. 

ઠંડીના દિવસોમાં રાજયમાં સ્થિતિઓ થોડી સંઘર્ષપૂર્ણ હોય છે. એવામાં પ્રશાસન દ્વારા નજરકેદીઓને અલગ-અલગ સ્થળે સુરક્ષિત રીતે શિફટ કરવાની ફરજ પડી છે.

(10:02 am IST)