Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

હવે કચ્છ નહીં પણ લેહ દેશનો સૌથી મોટો જિલ્લો બન્યો

લેહ, તા. ૪: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરી દેવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે ૩૧મી ઓકટોબરથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. જેને પગલે હવે દેશમાં સૌથી મોટો જિલ્લો પણ કાશ્મીરમાં જ બન્યો છે.

ભૌગોલિક પરિસ્થિતિ પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીર કરતા લદ્દાખનું ક્ષેત્રફળ મોટુ છે. જોકે તેની પાસે માત્ર બે જ જિલ્લા છે, જેમાં લેહ અને કારગિલનો સમાવેશ થાય છે. ક્ષેત્રફળની દ્રષ્ટીએ જોઇએ તો હવે લેહ ભારતનો સૌથી મોટો જિલ્લો બની ગયો છે. જોકે લેહનો એક ભાગ પાકિસ્તાનમાં અને એક ચીનના કબજામાં છે.

આ પહેલા ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારતમાં ગુજરાતનો કચ્છ જિલ્લો સૌથી મોટો હતો, પણ હવે તેનું સ્થાન બીજા ક્રમે રહેશે અને પહેલા ક્રમે લેહ જિલ્લાને સૌથી મોટો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત વસતીના આધારે નહીં પણ ક્ષેત્રફળ મોટુ હોવાથી જાહેર કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી માહિતી અનુસાર ૧૯૪૭માં ભૂતપૂર્વ જમ્મુ કાશ્મીર રાજયમાં ૧૪ જિલ્લા હતા.

જોકે ૨૦૧૯ સુધી પહોંચતા પહોંચતા રાજય સરકારે ૧૪ના ૨૮ જિલ્લા બનાવી દીધા હતા. ભારત દ્વારા નવા નકશાને પણ જારી કરવામાં આવ્યા છે જેથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. નવા નકશામાં એવા વિસ્તારનો પણ સમાવેશ કરાયો છે કે જેના પર પાકિસ્તાને કબજો કરી લીધો હોય.

(10:02 am IST)