Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

૫ વર્ષમાં સરકારી બેન્કોની ૩,૪૨૭ બેન્ક શાખાઓને તાળાં લાગ્યા

મર્જરથી ૭૦૦૦ શાખાઓ ઉપર ખતરોઃ ૭૫ ટકા શાખાઓ દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કની છે

નવી દિલ્હી, તા.૪: એક RTIમાં એવો ખુલાસો થયો છે કે, ગત પાંચ વર્ષ દરમિયાન બેન્ક વિલય કે શાખાબંધીની પ્રક્રિયાને કારણે જાહેર ક્ષેત્રની ૨૬ સરકારી બેન્કોની કુલ ૩,૪૨૭ બેન્ક શાખાઓનું મૂળ અસ્તિત્વ પર અસર પડી છે. આમાં ખાસ વાત એ છે કે, તેમાંથી ૭૫ ટકા શાખાઓ દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કની છે. આ સમયગાળા દરમિયાન એસબીઆઈમાં પાંચ સહયોગી બેન્કો અને ભારતીય મહિલા બેન્કનો વિલય થયો છે. આરટીઆઈ કાર્યકર ચંદ્રશેખર ગોડે કરેલી આરટીઆઈ અરજી અનુસાર ૨૦૧૪-૧૫માં દેશની ૨૬ સરકારી બેન્કોની ૯૦ શાખાઓ, ૨૦૧૫-૧૬માં ૧૨૬ શાખાઓ, ૨૦૧૬-૧૭માં ૨૫૩ શાખાઓ, ૨૦૧૭-૧૮માં ૨,૦૮૩ બેન્ક શાખાઓ અને ૨૦૧૮-૧૯માં ૮૭૫ શાખાઓ બંધ કરી દેવામાં આવી અથવા તો તેને બીજી બેન્ક શાખાઓમાં વિલય કરી દેવામાં આવી હતી. આરટીઆઈ અરજીમાં મળેલ જવાબ અનુસાર ગત પાંચ વર્ષ દરમિયાન વિલય અથવા તો બંધ થવાને કારણે એસબીઆઈની સૌથી વધારે ૨,૫૬૮ બેન્ક શાખાઓ પ્રભાવિત થઈ હતી.

અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંદ્યના મહાસચિવ સીએચ વેંકટચલમને કહ્યું કે, જો સરકાર દેશની ૧૦ સરકારી બેન્કોનો વિલય કરીને એક મોટી બેન્ક બનાવે છે તો આ બેન્કોની ઓછામાં ઓછી ૭,૦૦૦ શાખાઓ પ્રભાવિત થઈ શકે છે તેમાંથી મોટાભાગની શાખાઓ મહાનગરો અને શહેરોમાં હશે. અર્થશાસ્ત્રી જયંતિલાલ ભંડારીનો મત એવો છે કે, જાહેર ક્ષેત્રની બેન્કોનો વિલય તાતી જરૂરિયાત છે. નાની સરકારી બેન્કોને ભેગી કરીને એક મોટી બેન્ક બનાવવાથી સરકારી ખજાનાને ફાયદો થશે.

(10:01 am IST)