Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

શિવસેના સાથે વાતચીત કરાશે જ : અજીત પવારે કરેલો દાવો

સંજય રાવતે અજીત પવારને મેસેજ મોકલ્યો : ભાજપ સિવાય સરકાર બનાવવાના વિકલ્પ પર ચર્ચાઓ

મુંબઈ, તા. ૩ : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ સરકારની રચનાને લઇને ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. પરિણામ આવ્યા બાદ બહુમતિ મળી હોવા છતાં હજુ સુધી શિવસેના અને ભાજપે પત્તા ખોલ્યા નથી. બીજી બાજુ એનસીપીના નેતા અજીત પવારે શિવસેના નેતા સંજય રાવતને એક સંદેશ મોકલી દીધો છે. એનસીપીના નેતા અને પાર્ટી અધ્યક્ષ શરદ પવારના ભત્રીજા અજીત પવારે આજે બપોરે કહ્યું હતું કે, તેમની પાસે સંજય રાવતનો સંદેશો આવ્યો છે. તેઓ એક મિટિંગમાં હતા જેથી જવાબ આપી શક્યા નથી. ચૂંટણી બાદ પ્રથમ વખત સંજય રાવતે તેમનો સંપર્ક કર્યો છે. મેસેજ કેમ કર્યો છે તે અંગે હજુ સુધી માહિતી મળી શકી નથી પરંતુ આનો જવાબ લેવામાં આવશે. આ પહેલા રાવતે ભાજપના સિવાય અન્ય વિકલ્પો સાથે સરકાર બનાવવાના સંકેત આપ્યા હતા. મહારાષ્ટ્રમાં ખેંચતાણના દોર વચ્ચે દેવેન્દ્ર ફડનવીસે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી.

        દેવેન્દ્ર ફડનવીસ ગુપ્તરીતે પોતાની ગણતરી કરી રહ્યા છે. અલગ અલગ ચૂંટણી પ્રચારના કારણે આ વખતે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે. સીટો અંદાજ કરતા ઓછી રહી છે. શિવસેનાની સાથે ડિલ કરી શકે તેવા નેતા રહ્યા નથી. ભાજપ હાઈકમાન્ડે ફડનવીસને શિવસેનાની સાથે ડિલ કરવા માટે કોઇ જવાબદારી સોંપી છે કે કેમ તે અંગે હજુ માહિતી મળી શકી નથી. મહારાષ્ટ્રમાં પરિણામ આવ્યાને ૧૦ દિવસ થઇ ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા ૫૦-૫૦ ફોર્મ્યુલાની વાત કરી હતી. બીજી બાજુ ભાજપના પ્રમુખ અમિત શાહે આ મુદ્દે હજુ કોઇ વાત કરી નથી. ભાજપ તરફથી હજુ સુધી ફડનવીસે જ શિવસેનાને જવાબ આપ્યા છે. ફડનવીસના નિવેદનથી લાગી રહ્યું છે કે, દિલ્હીથી સમર્થન મળેલું છે. મહારાષ્ટ્રમાં સરકાર રચવાની અંતિમ તારીખ ૮મી નવેમ્બર છે. જો આ તારીખ સુધી સરકાર રચવામાં સફળતા નહીં મળે તો રાષ્ટ્રપતિ શાસનના સંકેત પણ દેખાઈ રહ્યા છે. ભાજપને ૧૪૦ સીટના બદલે ૧૦૫ સીટોમળતા ફડનવીસ પણ દુવિધામાં છે.

(12:00 am IST)