Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

કમોસમી વરસાદથી ખેડૂત ખુબ બેહાલ : ઉદ્ધવ ઠાકરે

સમગ્ર મહારાષ્ટ્રની યાત્રા કરવાની ખાતરી : બેંક અને સરકાર ખેડૂતના હિતોમાં વહેલીતકે નિર્ણય લઇને રાહત આપે તેવી અમારી રજૂઆત : ભાજપ ઉપર પ્રહારો

મુંબઈ, તા. ૩ : મહારાષ્ટ્રમાં ભાજપની સાથે સરકાર બનાવવાને લઇને ચાલી રહેલા મતભેદો વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ખેડૂતોના મુદ્દા પર વધારે આક્રમક દેખાઈ રહ્યા છે. એકબાજુ સરકારની રચનાને લઇને ઉદ્ધવે કહ્યું છે કે, થોડાક દિવસમાં જ ચિત્ર બિલકુલ સ્પષ્ટ થઇ જશે. બીજી બાજુ તેઓએ ખેડૂતોના સંકટને લઇને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. ઉદ્ધવે કહ્યું છે કે, કમોસમી વરસાદના પરિણામ સ્વરુપે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. બેંકોને પણ તેઓ અપીલ કરવા માંગે છે કે, ખેડૂતોના દેવાને માફ કરવામાં આવે. આના માટે પણ કેન્દ્ર સરકારે ખેડૂતોની મદદ કરવાની તૈયારી દર્શાવી જોઇએ. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, તેઓ કેન્દ્ર સરકારને અપીલ કરવા માંગે છે કે તે દરેક ખેડૂતને ઓછામાં ઓછા ૨૫૦૦૦ રૂપિયાની મદદ કરે.  કારણ કે, તેમના પાકને ભારે નુકસાન થયું છે.

સમગ્ર મહારાષ્ટ્રની યાત્રા કરવાની પણ વાત કરી છે. મરાઠવાડાની સ્થિતિ પશ્ચિમ મહારાષ્ટ્રની જેમ જ ખુબ જ ખરાબ છે. આ સંકટને દૂર કરવા માટે સતત પગલા લેવાની જરૂર દેખાઈ રહી છે. ઉદ્ધવે કહ્યું છે કે જ્યાં સુધી શિવસેના છે ત્યાં સુધી અમે ખેડૂતોની રજૂઆતના મુદ્દાને ઉઠાવતા રહીશું. સાથે સાથે મહારાષ્ટ્રમાં યાત્રા કરીને ખેડૂતોની સ્થિતિ અંગે માહિતી પણ મેળવીશું. અમે ખેડૂતોને તેમના હાલ પર છોડી શકીએ નહીં. ઔરંગાબાદમાં મિડિયા સાથે વાતચીત કરતા ઉદ્ધવે કહ્યું હતું કે, જમીની સ્થિતિ ઉપર નજર કરવામાં આવે તો ખેડૂતોની હાલત ખુબ જ ખરાબ થયેલી છે. સરકારની રચનાને લઇને ભાજપ સાથે મતભેદો વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના મુદ્દાને ઉઠાવીને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા જે હાલમાં કેન્દ્રમાં સરકારમાં છે. મુખ્યમંત્રી ફડનવીસ પણ સરકારની રચનાને લઇને  હવે વધારે સક્રિય બની ગયા છે.

(12:00 am IST)