Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

સિક્કિમમાં વાદળ ફાટયુ : ભયાનક પૂર : ૨૩ જવાનો લાપતા

ઉત્તર સિક્કિમની ઘટના : લહોનક સરોવર ઉપર વાદળ ફાટતા તીસ્તા નદીમાં પૂર : ભારે તબાહી : સર્ચ ઓપરેશન શરૃ : લોકોના ઘર - વાહનો કીચડમાં ડુબી ગયા : ભારે વરસાદ - પૂરથી અનેક જિલ્લાઓમાં માર્ગો - પુલ વગેરેને નુકસાન

ગંગટોક તા. ૪ : ઉત્તર સિક્કિમમાં બુધવારે એક મોટો અકસ્માત થયો. અહીં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ઘાટીમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું. ઘાટીમાં કેટલાક સૈન્ય પ્રતિષ્ઠાનોને અસર થઈ છે. આ દરમિયાન સેનાના ૨૩ જવાનો લાપતા છે. પાણીના પ્રવાહથી તેઓ વહી જવાની સંભાવના છે. ઘણા લોકોના ઘર અને વાહનો કાદવમાં ગરકાવ થઈ ગયા છે. સેનાના જવાનોની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

સિક્કિમના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે. રસ્તાઓ, ડેમ, પુલ તમામને ભારે નુકસાન થયું છે. ત્રિપુરામાં ગત રાત્રિથી સતત ભારે વરસાદ ચાલુ છે. તિસ્તા નદીનું જળસ્તર રાતોરાત ખતરનાક સ્તરે પહોંચી જતાં ખળભળાટ મચી ગયો છે.

સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીનું સ્તર અચાનક ૧૫-૨૦ ફૂટની ઊંચાઈએ પહોંચી ગયું હતું. જેના કારણે સિંગથામ પાસેના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા આર્મીના વાહનોને અસર થઈ રહી છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અચાનક વાદળ ફાટવાથી સમગ્ર રાજયમાં તબાહી મચી ગઈ છે. નદી-નાળાઓમાં કાંપ જમા થવાને કારણે પાણી નિકાલ બંધ થઈ ગયો છે અને પરિણામે વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે.

ગંગટોક અને પાકયોંગ જિલ્લાના સિંગતમ અને રંગપો નગરો જેવા નીચાણવાળા વિસ્તારોમાં વ્યાપક વિનાશ થયો હતો. સિક્કિમના ચુંગથાંગમાં ડેમને નુકસાન થયું છે, ત્યારબાદ પાણી અચાનક ઓવરફલો થઈ ગયું છે. તિસ્તા નદીમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે

સિક્કિમ અને કાલિમપોંગ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ગંભીર સ્થિતિને જોતા તિસ્તા, રંગફો, સિંગતમ અને અન્ય નજીકના વિસ્તારોના રહેવાસીઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

(10:56 am IST)