Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

વેનેજુએલામાં કેદીઓ સાથે અત્યાચાર, નિર્વસ્ત્ર કરી શરીર પર કૂકડા લડાવ્યા

કેદીઓએ પોતાના હકો માટે હડતાલ પાડતાં પાઠ ભણાવવાં માટે જેલ અધિકારીઓએ કરી ક્રૂરતા

કરાકસ, તા.૪: વેનેજુએલાની એક જેલમાં એક અધિકારી દ્વારા રેકોર્ડ કરવામાં આવેલો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે જેલના કેદીઓને નિર્વસ્ત્ર કરી તેમની પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં તેમને નિર્વસ્ત્ર સૂવાડીને તેમની પર કૂકડાઓની લડાઈ કરાવવામાં આવી.

ડેઇલી મેઇલ મુજબ, ઓછામાં ઓછા ૮૨ કેદીઓને નિર્વસ્ત્ર થવા મજબૂર કરવામાં આવ્યા. કેદોઓને કથિત રીતે બે કલાકથી વધુ સમય સુધી મારવામાં આવ્યા અને ૨૪ કલાક સુધી ભોજન અને પાણી ન આપવામાં આવ્યા.

કેદી સેલથી બહાર ન આવે તે માટે તેમની પર તેલ છાંટવામાં આવ્યું, ત્યારબાદ તેમના નિર્વસ્ત્ર શરીર પર કૂકડા લડાવવામાં આવ્યા. આ દરમિયાન કેદીઓના શરીર પર નિશાન પડી ગયા.

કેદીઓએ પોતાના હકો માટે હડતાલ પાડતાં પોલીસ કર્મચારીઓએ કર્યો અત્યાચાર.

કેદીઓના પરિજનોએ કહ્યું કે, જેલમાં કર્મચારીઓ દ્વારા પીરસવામાં આવેલા ભોજન અને પાણીની અછતના વિરોધમાં કેદી હાલમાં જ હડતાલ પર ઉતર્યા હતા. કેદી એવી માંગ કરી રહ્યા હતા કે તેમને મળવા આવતા લોકોને દવા લાવવાની મંજૂરી આપવામાં આવે.

વીડિયોમાં અનેક પોલીસ અધિકારી પણ જોવા મળી રહ્યા છે. એક અધિકારી કેદીઓમાંથી એક સામે કટાક્ષ કરતો જોવા મળે છે, જેણે હડતાલનું નેતૃત્વ કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. બીજી તરફ, વેનેજુએલા સરકારે આ મામલામાં તપાસની જાહેરાત કરી છે.

(4:10 pm IST)