Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

પોલીસી સમીક્ષા વચ્ચે સેંસેક્સમાં ૪૩૪ પોઈન્ટનો મોટો ઘટાડો થયો

આરબીઆઈની સમીક્ષા પણ શેરબજારને ખુશ કરવામાં નિષ્ફળ : સેંસેક્સ કારોબારના અંતે ૩૭૬૭૩ની સપાટી પર રહ્યો : સાપ્તાહિક આધાર ઉપર સેંસેક્સમાં ત્રણ ટકા સુધી નોંધપાત્ર ઘટાડો : કારોબારીઓ નિરાશ થયા

મુંબઈ, તા. ૪ : રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં શેરબજારમાં આજે કોઈ ખુશી દેખાઈ ન હતી. શેરબજારની સાથે જોડાયેલા લોકોમાં નિરાશા જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સતત પાંચમાં કારોબારી સેસનમાં ઘટાડો રહ્યો હતો. સેંસેક્સ ૪૩૪ પોઈન્ટ ઘટીને ૩૭૬૭૩ની નીચી સપાટીએ રહ્યો હતો. નાણાંકીય શેરોમાં ઘટાડો રહ્યો હતો. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સીસ બેંકમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. એનએસઈમાં નિફ્ટીમાં ૧૩૯ પોઈન્ટ ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૧૭૫ રહી હતી. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ત્રણ ટકાનો ઘટાડો રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં ૨.૯૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. સેક્ટરલ મોરચામાં નિફ્ટી બેંક ઈન્ડેક્સમાં ૭૦૦ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૭૭૩૧ રહી હતી. ૧૨ પૈકીના ૧૦ શેરમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં સુધારો રહ્યો હતો. 

      આઈટી ઈન્ડેક્સ ૬૨ પોઈન્ટ ઉછળીને ૧૫૩૪૦ની સપાટી પર રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં મીડકેપ ઈન્ડેક્સમાં ૧૩૧ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૭૧૪ રહી હતી. બીએસસી મીડકેપ ઈન્ડેક્સમાં ઘટાડો રહ્યો હતો. કોમોડીટીના મામલામાં પણ ઉતાર ચઢાવની સ્થિતિ રહી હતી. ક્રુડની કિંમતમાં પણ ઉથલપાથલ જોવા મળી હતી. શેરબજારમાં આજે સવારે યશ બેંકના શેરમાં બે ટકા સુધીનો વધારો થયો હતો. યશ બેંકના શેરમાં ગઇકાલે ૩૩ ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો. બેન્ચમાર્ક એસએન્ડપી બીએસઇ સેંસેક્સ  ગઇકાલે ગુરૂવારના દિવસે ૧૯૯ પોઇન્ટ ઘટીને ૩૮૧૦૬ની નીચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં હાલ કોઇપણ પ્રકારના દાવો અર્થશાસ્ત્રીઓ પણ કરવાની સ્થિતિમાં નથી જેથી કારોબારી રોકાણના મુડમાં નથી.દેશના વિકાસ માટે પ્લાન તૈયાર કરનાર સંસ્થા નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે આજે કહ્યું હતું કે, આર્થિક વિકાસને તેજી આપવા માટે અનેક એલાનોની જાહેરાત કરવામાં આવ્યા બાદ સરકાર નવા રચનાત્મક સુધારા લાવવાની તૈયારી કરી રહી છે જે અર્થતંત્રને લાંબા સમય સુધી ગતિ આપી શકે છે. એક કાર્યક્રમમાં કાંતે કહ્યું હતું કે, સરકાર હવે ઝડપથી જાહેર ક્ષેત્રની કંપનીઓમાં રોકાણ કરી રહી છે. આની પાછળનો હેતુ સ્પષ્ટપણે રહેલો છે. શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતી જોવા મળી રહી છે. આજે કારોબાર દરમિયાન બેકિંગ શેરમાં સૌથી મોટા ઘટાડો રહ્યો હતો. એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા, એસબીઆઈના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં ઘટાડા માટે અન્ય પરિબળ પણ જવાબદાર રહ્યા હતા.

(8:07 pm IST)