Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

બિહાર પુર તાંડવ : પટણાના ભાગ હજુય પાણીમાં ગરકાવ

દાનાપુર રેલવે ટ્રેક પર હજુ પણ પાણી ભરાયા : રાજેન્દ્રનગર સહિતના વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર

પટણા,તા. ૪: બિહારમાં ભારે વરસાદના કારણે આવેલા પુરના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. બિહારમાં હવે વરસાદ બિલકુલ નથી પરંતુ સ્થિતીમાં સુધારો થઇ રહ્યો નથી. પાટનગર પટણાના કેટલાક ભાગો તો હજુ પણ જળબંબાકાર થયેલા છે. પુનપુન નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તર પર છે. જેના કારણે દાનાપુર રેલવે ટ્રેક પર પાણી ભરાઇ ગયા છે. પટણા-ગયા વચ્ચે ટ્રેન સેવા બંધ રાખવામાં આવી છે. આવી જ રીતે સપટણા અને રાજગીર વચ્ચે પણ ટ્રેન સેવા બંધ રાખવામાં આવી છે. પટણામાંથી પસાર થતી ગંગા નદીમાં પાણીની સપાટી વધી છે જેથી હાલત કફોડી છે. રાજેન્દ્રનગર, ન્યુ પાટલીપુત્ર અને અન્ય વિસ્તારોમાં આવેલી સોસાયચી અને વિસ્તારો હજુ જળબંબાકાર થયેલા છે. હવામાન વિભાગે સ્થિતી સામાન્ય બને તે પહેલા ફરી એકવાર ભારે વરસાદની ચેતવણી જારી કરી દીધી છે. જેના કારણે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. પટણાના તમામ સ્કુલો અને કોલેજને હાલમાં બંધ રાખવામાં આવ્યા છે. પટણામાં આવતીકાલે પણ તમામ સ્કુલો અને કોલેજને બંધ રાખવામાં આવનાર છે. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો હજુ જળબંબાકાર થયેલા છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન અશ્વિની ચોબેએ રોગચાળાને લઇને દહેશત વ્યક્ત કરી છે. બિહારના મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે કહ્યુ છે કે પુરના કારણે ૭૩ લોકોના મોત થયા છે. નવ લોકો ઘાયલ થયા છે. પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને ભાજપના નેતા રામકૃપાલ યાદવ બુધવારના  દિવસે પાટલિપુત્રમાં પુરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગયા હતા.  પાટનગર પટણામાં હાલત કફોડી બનેલી છે. ચારેય બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. મકાનો, સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. મંત્રીઓ અને નેતાઓના આવાસ પર પાણી ઘુસી ગયા છે.

(3:50 pm IST)