Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ખાનગી મેડીકલ કોલેજોમાં એક સીટ પર ૧૫ પ્રવેશ

યુપીમાં અડધા ડઝનથી વધારે કોલેજોમાં ઘાલમેલ

નવી દિલ્હી,તા.૪: યુપીની ખાનગી મેડીકલ કોલેજોમાં એડમીશનના છેલ્લા દિવસે મોટી ઘાલમેલ બહાર આવી છે. કયાંક ઓછા રેન્ક મેળવનાર વિદ્યાર્થીને પ્રવેશ આપી દેવાયો તો કયાંક એક સીટ પર ૧૫ વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયું યુપીના મેડીકલ એજ્યુકેશન વિભાગમાંથી મળેલા આંકડાઓમાં આ ચોકાવનારી  વિગતો બહાર આવી છે.

રાજ્યની અડધા ડઝનથી વધારે ખાનગી મેડીકલ કોલેજોમાં આ પ્રકારના કિસ્સામાં બહાર આવ્યા છે. ૩૧ ઓગસ્ટે એડમીશનનો અંતિમ દિવસ હતો. આ દિવસે બે મેડીકલ કોલેજોમાં આઠ લાખથી ઓછી રેંક વાળા બે પરિક્ષાથીઓને એડમિશન અપાયું હતું કેટલીય કોલેજોમાં ૬ થી ૮ લાખ વચ્ચેની રેંક લાવનાર વિદ્યાર્થીઓને એડમિશન અપાયું હતું.

એક કોલેજમાં ત્રણ એડમિશન થયા તેમાં બે વિદ્યાર્થીઓના રેંક ક્રમશઃ ૮,૨૧,૭૮૦, અને ૭,૮૫,૬૨૦ છે. આ જ રીતે બીજી એક કોલેજમાંં ૧૫ એડમિશન અપાયા  તેમાં છેલ્લા ત્રણ વિદ્યાર્થીઓના ૬ લાખથી ઓછા રેંક ધરાવે છે. ખાસ વાત તો એ છે કે આ કોલેજે છેલ્લા કાઉન્સેલીંગમાં ફકત એક બેઠક જ ખાલી હોવાનું જણાવ્યું હતું જ્યારે તેમાં ૨૮ અને ૩૧ ઓગસ્ટે ૧૭ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું

ઘાલમેલ આવી રીતે કરાય છે

 જાણકારો અનુસાર, કોલેજ મેનેજમેન્ટ અને દલાલોની મળીને બીજો રાજ્યોના ઉંચા રેંકવાળા વિદ્યાર્થીઓ પાસે ખાનગી કોલેજોમાં સીટ રોકાવી લે છે.

 આ વિદ્યાર્થીઓ છેલ્લે દિવસ સીટ ખાલી કરે છે અને તેમની સીટ પર પહેલાથી જ સોદાબાજી કરી ચુકેલા વિદ્યાર્થીને એડમિશન આપી દેવાય છે.

 ખાનગી મેડીકલ કોલેજ એડમિશન લેનાર આવા વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી લેવાય છે.

(11:42 am IST)