Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ત્રાસવાદીઓ મોટો હુમલો કરવાની તૈયારીમાં: દિલ્હીના ફટાકડા તથા 'કાશ્મીરી સફરજન' કોડવર્ડ સાથે ઘુષણખોરી

દિલ્હીમાં ૧ ડઝનથી વધુ ત્રાસવાદી મોજુદઃ ૧ મહીનો પ્લાન કાશ્મીરમાં ઘડાયો : સીક્રેટ પ્લાનનું નામ 'ડી' રખાયું: જેનો પ્લાન ઘડયો છે અબુ ઉસ્માને

નવી દિલ્હી, તા.૪:  જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો કલમ ૩૭૦ અને ૩૫A કલમ દૂર થયા બાદ આતંકવાદીઓ દ્વારા વિવિધ પ્લાન બની રહ્યા હોવાના ઈનપુટ્સ આવતા રહ્યા છે. હવે વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો લગભગ એક ડઝન જેટલા આતંકી રાજધાની દિલ્હીમાં દ્યૂસ્યા છે. ઈન્ટેલિજન્સના સૂત્રોનું કહેવું છે કે પાક અધિકૃત કાશ્મીર (PoK)માં બેઠેલા આતંકવાદી આકાઓએ જૈશ-એ-મોહમ્મદની ત્રણથી ચાર વેલ ટ્રેન ગ્રુપને 'કરો યા મરો'નો ટાસ્ક આપીને દિલ્હી, કાશ્મીર અને પંજાબમાં મોકલ્યા છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ આતંકવાદીઓની વાતચીતના જે કોડ ઈન્ટરસેપ્ટ કર્યા છે, તેમાં દિલ્હીના ફટાકડા, કાશ્મીરના સફરજન અને દિલ્હીની સફાઈ જેવી વાતોનો સમાવેશ થાય છે.

દિલ્હીમાં ઘડાકા કરવાના ષડ્યંત્રનો પ્લાન પાંચ દિવસ પહેલા લગભગ ૯૦૦ કિલોમીટર દૂર કાશ્મીરના સફરજનના બાગમાં તૈયાર થયો છે. તેનો આકા જૈશનો જમ્મુ કાશ્મીર કમાન્ડર અબુ ઉસ્માને તૈયાર કર્યો અને સિક્રેટ પ્લાનનું નામ આપ્યું છે 'ડી'. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ જારી કરેલા એલર્ટમાં આ અંગે સ્પેશિયલ ઈનપુટ અપાયા છે. ઈન્ટેલિજન્સ મુજબ કાશ્મીરના બાંદીપુર જિલ્લામાં સફરજનના બગીચામાં પાંચ દિવસ પહેલા જૈશના પાકિસ્તાનથી ટ્રેન થયેલા આતંકીઓ સિક્રેટ મીટિંગ થઈ. જેમાં અબુ ઉસ્માને દાવો કર્યો કે, અમારા ભાઈ આ જગ્યાઓ પર પહેલેથી જ પહોંચી ગયા છે. આ બેઠકમાં એક પાકિસ્તાની અને બે કાશ્મીરી આતંકવાદી હતા. અબુ ઉસ્માન પાસે એક સ્નાઈપર રાઈફલ હતી, જયારે બાકી ત્રણ આતંકીઓ પાસે એકે-૪૭, પિસ્ટલ અને હેન્ડ ગ્રેનેડ હતા.

ઈન્ટેલિજન્સ એજન્સીઓને લગભગ ૫ દિવસ પહેલાથી જ આ માહિતી મળી ગઈ હતી. અબુએ બેઠકમાં એવી વાત કરી કરી હતી કે કાશ્મીરના લોકોને જલદી સારી ખબર સાંભળવા મળશે, અને આ ખબર જમ્મુ અને દિલ્હીમાં મોટા દ્યડાકાની હશે. આ ઈનપુટને જમ્મુ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ, બીએસએફ અને દિલ્હી પોલીસને પણ સોંપવામાં આવ્યા છે.

એલર્ટ મળ્યા બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે વિવિધ જગ્યાઓ પર રેડ પાડીને તપાસ કરી હતી જેમાં ૨ સંદિગ્ધોની પણ અટકાયત કરવામાં આવી હતી. આ રીતે સરહદની સાથે દેશની અંદર પણ એલર્ટના આધારે સુરક્ષા વધારીને સઘન તપાસ કરવામાં આવી રહી છે.

(11:41 am IST)