Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

''Chalo Give'': અમેરિકામાં ગાંધી જયંતિની અનોખી ઉજવણીઃ સમાજના વંચિત વર્ગ માટે કંઇક આપોઃ ઇન્ડિયાસ્પોરાના ઉપક્રમે સાપ્તાહિક અભિયાન શરૂ કરાયું: ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટીમાં પરોપકાર વૃતિને પ્રોત્સાહિત કરવાનો હેતુ

વોશીંગ્ટનઃ યુ.એસ.માં મહાત્મા ગાંધીના જન્મદિવસ ૨ ઓકટો.૨૦૧૯ના રોજ વોશીંગ્ટન ડીસીમાં આવેલ જયોર્જટાઉન યુનિવર્સિટીમાં ઇન્ડિયાસ્પોરાના ઉપક્રમે એક સપ્તાહ માટે ''ચાલો ગીવ'' અભિયાનનું લોંચીંગ કરાયું છે. જેનો હેતુ પરોપકાર વૃતિને પ્રોત્સાહિત કરવાનો છે. જે અંતર્ગત આબાલવૃધ સહિત તમામ ઉંમરના ઇન્ડિયન અમેરિકન્સ ઓછી દૃષ્ટિ ધરાવતા લોકોને મદદરૂપ થાય તેવો છે.

આ અભિયાન  અંતર્ગત Chalogive.org ના નેજા હેઠળ ર ઓકટો.થી ૮ ઓકટો.૨૦૧૯ દરમિયાન ડોનેશન જમા કરાશે. જે હેલ્થ, એજ્યુકેશન, એમ્પાવરમેન્ટ, ગરીબી દુર કરવી સહિતના જુદા જુદા હેતુઓ માટે ડોનેશન સ્વીકારાશે તથા ભારત પહોંચાડાશે. આ માટેનું ઉપરોકત અભિયાન અમેરિકા ઇન્ડિયા ફાઉન્ડેશન, પ્રથમ, ફાઉન્ડેશન ફોર એકસલન્સ સહિતના નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન સાથે જોડવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અભિયાનનો હેતુ લોકોને પરોપકાર વૃતિ પ્રત્યે વાળવાનો છે. ડોનેશનની રકમ નાની હોય કે મોટી તેની સાથે નિસ્બત નથી.

Chalo give અભિયાન ગઇકાલ ર ઓકટો.થી શરૂ કર્યાની સાથે જ ૧૧ હજાર ડોલરનું ડોનેશન ભેગુ થઇ ગઇ છે. જે અંતર્ગત ૭૫ દાતાઓએ ૧૦ ડોલરથી ૩ હજાર ડોલર સુધીની રકમ આપી છે.

(9:00 pm IST)