Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ભારતે રશિયા સાથે AK-47 203 રાઇફલ્સનો સોદો કર્યો

ચીન સાથે ઘર્ષણ જારી છે ત્યારે ભારતનું મહત્વનું કદમ : આ તાજા સોદા હેઠળ આશરે એક લાખ AK-47 203 રાયફ્લ્સ તો રશિયા તત્કાળમાં જ ભારતને મોકલી દેશે

નવી દિલ્હી, તા.૪ : ચીન સાથે લદ્દાખ સરહદ પર વધી રહેલા સંઘર્ષ દરમિયાન ભારતે રશિયા સાથે રાયફલો ખરીદવાનો એક મહત્વનો કરાર કર્યો છે. શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇજેશન(એસસીઓ) સમિટ દરમિયાન ભારતે મિત્ર દેશ રશિયા સાથે 203 AK-47 203 રાયફલ સોદાની પર સહી કરી છે. સમિટમાં પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે AK-47 રાયફલના અત્યાધુનિક વર્ઝનની સાત લાખથી વધારે રાઇફલ્સ ખરીદીની મોટી ડીલ કરી છે. ખાસ બાબત એ છે કે આ રાઇફલ્સ ભારતમાં નિર્માણ પામશે.

એવું મનાય છે કે, AK-47 રાયફલ્સ હવે ઇન્ડિયન સ્મોલ આર્મ સિસ્ટમ (INSAS) અસોલ્ટ રાઇફલની જગ્યા લેશે. જે હિમાલયના ઉંચા પર્વતો પર જૈમિંગ અને મેગજીન ક્રેક થવાની સમસ્યાઓ સામે સારો વિકલ્પ સાબિત થશે.

મિત્ર દેશ રશિયાના જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં ભારતને સાત લાખથી વધુ AK-47 203 રાયફલ્સની જરુર છે. હથિયાર ખરીદીના આ સોદા હેઠળ આશરે એક લાખ AK-47 203 રાયફ્લસ તો રશિયા તત્કાળમાં જ ભારતને મોકલી દેશે, જ્યારે બાકીના જથ્થાનું ભારતમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ નિર્માણ કરવામાં આવશે. અહીં આ રાઇફલ્સ ઇન્ડો-રશિયા રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ સંયુક્ત રીતે ઉત્તર પ્રદેશના અમેઠીમાં બનાવશે.

દુનિયાની સૌથી આધુનિક અને એસોલ્ટ આ રાઇફલની કિંમત આશરે ૧૧૦૦ ડોલર આંકવામાં આવી રહી છે. તેની ખાસિયત એ છે કે વજનમાં હલકી, નાની અને ચલાવવામાં સરળ છે. સંપૂર્ણ લોડ કર્યા બાદ તેનુ વજન ચાર કિલોની આસપાસ થાય છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે એક મિનિટમાં ૬૦૦ ગોળીઓ છોડે છે, ૧૦ ગોળી દરેક સેંકન્ડે. તેને ઓટો અને સેમી ઓટો મોડમાં પણ ચલાવી શકાય છે.

(9:09 pm IST)