Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ભારતીયોની આકાંક્ષા અને મહત્વાકાંક્ષાઓને પ્રભાવિત કરવામાં કોરોના નાકામિયાબ : નરેન્દ્રભાઇ

કોરોના કાળને ભરી પીવા મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધારી દેવાયુ : કોવિડ-હોસ્પિટલ, આઇસીયુની સુવિધાઓ વધારવા ધડાધડ નિર્ણય : જાન્યુઆરીમાં ફકત એક જ કોવિડ ટેસ્ટીંગ લેબ હતી આજે દેશભરમાં ૧૬૦૦ લેબ કાર્યરત : ભારતમાં પડકારોનો સામનો કરવા એવી મજબુત સરકાર રચાઇ છે જે પરિણામમાં વિશ્વાસ રાખે છે : ભારત-અમેરીકા શીખર સંમેલનમાં મોદીનું સંબોધન

નવવી દિલ્હી  તા. ૪ : કોરોના કાળમાં દેશમાં આવેલ જબ્બર બદલાવને પોઝીટીવલી લેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ છે કે ૧.૩ અરબ ભારતીયોની આકાંક્ષાઓ અને મહત્વકાંક્ષાઓને પ્રભાવિત કરવામાં કોરોના મહામારી નાકામિયાબ રહી છે. કોરોનાને ભરીપીવા મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર વધારી દેવાયુ. કોવિડ હોસ્પિટલ, આઇસીયુની સુવિધાઓ વધારવામાં આવી. જાન્યુઆરીમાં કોવીડ ટેસ્ટીંગ લેબ માત્ર એક હતી. જયારે આજે દેશમાં ૧૬ લેબોરેટરી કાર્યરત બની ચુકી છે.

વડાપ્રધાનશ્રીએ વિડીયો કોન્ફરન્સના  માધ્યમથી અમેરીકા-ભારત ૨૦૨૦ શિખર સંમેલનને સંબોધિત કરતા જણાવેલ કે યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ ભારત અને અમેરીકા વચ્ચે ભાગીદારીથી કામ કરી રહી છે.

વૈશ્વિક મહામારીની અસર દરેક ઉપર પડી છ.  જેમાં સૌની દ્રઢતા, સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થાની પણ પરીક્ષા થઇ જાય છે. પરંતુ આપણે તેમાં પાર ઉતરી રહ્યા છીએ.

કોરોના સામેની લડાઇની ચર્ચા કરતા શ્રી મોદીએ જણાવેલ કે સુવિધાઓ વધારતા અને નાગરિકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસોના કારણે ૧.૩ અરબ જનસંખ્યા અને સીમીત સંશાધનો વચ્ચે પણ મૃત્યુ દર સૌથી નીચો રહ્યો છે.

તેઓએ એ વાત પર ખુશી વ્યકત કરી કે ભારતના કારોબારે તેમા મહત્વની ભુમિકા ભજવી છે. કે જેણે લગભગ શુન્યથી શરૂઆત કરીને આપણને દુનિયાના બીજા નંબરના સૌથી મોટા પીપીઇ કીટ નિર્માતા બનાવી દીધા. તેમણે કહ્યુ કે હાલના દૌરમાં દેશમાં દુરોગામી સુધાર થયો છે, જેમાં કારોબાર કરવો આસાન થયો અને લાલફીતાશાહી ઓછી થઇ.

રેલ, સડક અને હવાઇ માર્ગો મજબુત બનાવાયા. કરોડો લોકોના બેન્ક વ્યવહારો  ડીઝીટલ બનાવવા સર્વશ્રેષ્ઠ ફિનટેક (વિત્તિય પ્રાદ્યૌગિક) નો ઉપયોગ કરાયો. જેમાં વિશ્વસ્તરીય સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો.

ઇ-પ્લેટફાર્મ આધારીત ફેસલેસ એસેસમેન્ટનો ઉલ્લેખ કરા કહેલ કે કરદાતાઓના ચાર્ટર સાથે નાગરિકોની મદદ કરવા માટે એક મોટી સફર ખેડવી પડશે. બોન્ડ બજારમાં કરાયેલ નિયામકીય સુધારો રોકાણકારો સુધી પહોંચતા જ મોટો બદલાવ જોવા મળશે. તેમણે જણાવેલ કે ભારતમાં એફડીઆઇ ૨૦૧૯ માં ૨૦% વધારો જોવા મળ્યો.જે અત્યાર સુધીમાં વૈશ્વિક એફડીઆઇમાં ૧% નીચો આવ્યો છે. આ આપણી એફડીઆઇ વ્યવસ્થાની  સફળતા પુરવાર કરે છે.

તેઓએ જણાવેલ કે 'આત્મનિર્ભર ભારત' લોકલને ગ્લોબલ સાથે જોડે છે અને તેનાથી ગ્લોબલ ફોર્સ મલ્ટીપ્લાયરના રૂપમાં ભારતની તાકાત સુનિશ્ચિત થાય છે. ખાસ કરીને કૃષિની સાથે મોબાઇલ અને ઇલેકટ્રોનિકસ, ચિકિત્સા ઉપકરણો, ફાર્મા ક્ષેત્રો માટે શરૂ કરાયેલ ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન યોજનાઓનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાનશ્રી મોદીએ શીખર સંમેલનને સંબોધતા એવુ જણાવેલ કે ભારતમાં પડકારોનો સામનો કરવા એવી મજબુત સરકાર રચાઇ છે જે પરિણામમાં વિશ્વાસ રાખે છે. એક એવી સરકાર કે જે સમગ્ર જીવનશૈલીને મહત્વ આપે છે.

(3:04 pm IST)