Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

LAC પર સ્થિતિ નાજુક : તમામ સ્થિતિનો સામનો કરવા સજ્જ

સેનાના વડા નરવણે LACની કરી સમીક્ષા : ભારતીય જવાનોનો જોશ સાતમા આસમાને છે : સાવચેતીના દરેક પગલા લેવાયા છે

નવી દિલ્હી તા. ૪ : લાઇન ઓફ એકચુઅલ કંટ્રોલ (એલએસી) પર તણાવપૂર્ણ સ્થિતિ છે અને ભારત-ચીનની સેનાઓ સામ-સામે છે. તણાવને જોતા ભારતીય સેનાના ચીફ જનરલ એમ.એમ. નરવાણે લદખની બે દિવસની મુલાકાતે છે, જયાં તેઓ તમામ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. આજે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે જનરલ નરવણે એ કહ્યું કે એલએસી પર સ્થિતિ નાજુક અને ગંભીર છે. પરંતુ સરહદ પર તૈનાત ભારતીય સૈનિકોની હિંમત સાતમા આસમાન પર છે અને તેઓ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આર્મી ચીફ જનરલ એમએમ નરવણે એ કહ્યું કે એલએસી પર હાલ સ્થિતિ નાજુક અને ગંભીર છે, પરંતુ આપણે સતત તેના વિશે વિચાર કરી રહ્યા છીએ. આપણે આપણી સલામતી માટે કેટલાક સાવચેતીનાં પગલાં ભરી લીધા છે. હું આશા રાખું છું કે આપણે જે તૈનાતી કરી છે તેનાથી આપણી સુરક્ષા કાયમ રાખીશું.

આપને જણાવી દઈએ કે સરહદ પર ચીન સાથેના તણાવ વચ્ચે ઓપરેશન માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ભારતીય સેનાના વડા જનરલ મનોજ મુકુંદ નરવાણે લદખના બે દિવસના પ્રવાસ પર છે. જનરલ નરવાણે ગુરુવારે વહેલી સવારે લેહ પહોંચ્યા હતા અને ત્યાં હાજર વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે ચીનના વ્યૂહાત્મક પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરી. આપણા જવાનોનું મનોબળ ખૂબ જ ઊંચું અને દરેક પડકારનો સામનો કરવા તૈયાર છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આપણા જવાન માત્ર ભારતીય સેના જ નહીં પરંતુ દેશનું નામ પણ રોશન કરશે.

ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહી છે. તો બંને દેશોના લશ્કરી પ્રતિનિધિઓ તણાવ ઘટાડવા માટે વાતચીત કરી રહ્યા છે. તાજેતરમાં જ ચીને પેંગોંગ ત્સોમાં યથાસ્થિતિને બદલતા ઉશ્કેરણીજનક ઘુસણખોરી કરી હતી, ત્યારબાદ ભારતીય સૈનિકોએ પણ કાર્યવાહી કરી હતી.

(3:03 pm IST)