Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અગ્રણી તબીબની સલાહ!

કિસ કરો ત્યારે માસ્ક પહેરજો નહી તો લાગી શકે છે કોરોનાનું સંક્રમણ

નવી દિલ્હી, તા.૪: કોરોના ની હાડમારી આખી દુનિયા માં એટલી હદે પ્રસરી છે કે તે કાબુ માં આવતી જ નથી ત્યારે કેનેડાના એક અગ્રણી તબીબે માસ્ક પહેરવા માટે જે સલાહ આપી તે થોડી હટકે છે.

કેનેડાનાં ટોપ ડોકટર ગણાતાં ચીફ પબ્લિક હેલ્થ ઓફિસર એવાં ડો. થેરેસા ટેમે એક પ્રેસ કોન્ફરન્સમાં કોરોના ની મહામારી માં ડેટિંગ પર જતા યુવાનો ને સેકસ એજયુકેશનની જરૂરિયાત ઉપર ભાર મૂકી વાત કરતાં જણાવ્યું કે, 'સેકસ માણતી વખતે પણ માસ્ક પહેરવાનું રાખો.'

આ વિશે વાત કરતાં ડો. થેરેસાએ કહ્યું કે, 'આપણા સર્વાંગી સ્વાસ્થ્ય માટે સેકસ્યુઅલ હેલ્થ પણ એટલી જ અગત્યની છે. પરંતુ કોવિડ-૧૯ના સમયમાં જાતીય સમાગમ અત્યંત વિચિત્ર પરિસ્થિતિ ઊભી કરે છે. ખાસ કરીને જેમના પાર્ટનરને કોવિડ-૧૯નું જોખમ વધારે હોય તેમના માટે તો ખાસ ધ્યાન રાખવુ જોઈએ.

ડો. થેરેસા એ ઉમેર્યુ કે પાર્ટનર કોવિડ-૧૯થી સુરક્ષા માટેની તમામ કાળજી લેતા હોય તે અત્યંત જરૂરી છે અને પ્રામાણિક બની રહેવું જોઈએ અને પોતાને કોઈપણ પ્રકારનાં નજીવાં લક્ષણો પણ અનુભવાતાં હોય તો તે વિશે પાર્ટનરનું ધ્યાન દોરી દેવું જોઈએ.

અલબત્ત, ડો. થેરેસાની તમામ સલાહ કેનેડિયન કપલ્સને ઉદ્દેશીને અપાયેલી છે. પરંતુ તે સમગ્ર વિશ્વના લોકોને લાગુ પડે તેવી છે. તેમના કહેવા પ્રમાણે આ સ્થિતિમાં લોકોએ આલ્કોહોલનું સેવન પણ ઓછું કરવું જોઈએ. કેમ કે, આલ્કોહોલ કે અન્ય માદક પદાર્થોની અસર હેઠળ જાતીયતાને લગતા બિનસલામત નિર્ણયો લેવાનું જોખમ વધી જાય છે.

એક રિસર્ચ માં જણાવાયું છે કે માણસનાં વીર્ય કે યોનિમાર્ગના પ્રવાહી દ્વારા કોરોનાવાઈરસનો ચેપ લાગવાની શકયતા નહિવત છે. પરંતુ કોઈ નવી કે અજાણી વ્યકિત સાથે સેકસ્યુઅલ એકિટવિટી કે ઈવન ચુંબનની આપ-લે જેવી અત્યંત નિકટની સ્થિતિ પણ કોરોનાવાઈરસના ચેપનું જોખમ ઊભું કરી દે છે. આ તબક્કે ડો. થેરેસા ટેમે લોકોને સેકસ્યુઅલ ઈન્ટરકોર્સ દરમિયાન કિસિંગ કે ફેસ ટુ ફેસ કોન્ટેકટથી દૂર રહેવાની સલાહ આપી હતી. આમ કોરોના મામલે હવે સેકસ લાઈફ માં પણ સજાગ રહેવા તબીબો સલાહ આપી રહ્યા છે.

(12:55 pm IST)