Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જીએસટીની નોટીસ મળે તે પહેલાં ટેકસ ભરવામાં આવે તો ૧૦ ટકા દંડ

બોગસ બિલિંગની કાર્યવાહી કરે તે પહેલા જાણ કરે તો વેપારીઓને દંડમાં રાહતઃ નોટિસ મોકલવામાં આવ્યા બાદ જીએસટી ઉપરાંત ૧૦૦ ટકા દંડની જોગવાઇ

મુંબઇ,તા. ૪: બોગસ બિલિંગમાં સંડોવાયેલાઓને ટેકસ ભરવા માટેની જીએસટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવે તે પહેલા સામે ચાલીને વિભાગમાં ટેકસ ભરપાઇ કરી દે તો જીએસટીની રકમ અને ૧૦ ટકા જ દંડ ભરવો પડતો હોય છે. જયારે વિભાગ દ્વારા નોટિસ આપી દેવામાં આવી હોય તો જીએસટીની રકમ જેટલો જ દંડ ભરવાની નોબત આવતી હોય છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બોગસ બિલિંગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં વિભાગ દ્વારા ટેકસ વસૂલ કરવાની કાર્યવાહી એકાદ વર્ષ સુધી ચાલતી હોય છે.તેમાં જીએસટી પહેલા સૌથી વધુ ટેકસ ચોરી કરી હોય તેઓને પકડવાની કાર્યવાહી કરતી હોય છે. ત્યાર બાદ તબક્કાવાર નીચેના વેપારીઓએ જેણે બોગસ બિલ લીધા હોય તેની સામે કાર્યવાહી થતી હોય છે. આ કાર્યવાહીમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર મહિનાનો સમય વિતી જાય છે. કારણ કે બોગસ બિલિંગનો મુખ્ય સુત્રધાર હોય તેના નિવેદન લેવાથી માંડીને અન્ય કાર્યવાહી કરીને ચાર્જ શીટ મૂકવાની સાથે ટેકસ વસૂલાત કરવા માટે વેપારીઓને નોટિસ મોકલવામાં આવતી હોય છે. પરંતુ બોગસ બિલિંગ કાંડમાં જે વેપારી પકડાયા બાદ તેની પાસેથી બોગસ બિલ લેનાર વેપારી સામે ચાલીને વિભાગનો સંપર્ક કરે તો ઘણી રાહત મળતી હોય છે. કારણ કે વિભાગ દ્વારા તેઓના નામ શોધીને નોટિસ મોકલવામાં આવે તો જીએસટીની રકમ જેટલો જ દંડ ભરવો પડતો હોય છે.

તેના બદલે વેપારી સામે ચાલીને જાય તો જીએસટીની રકમ ઉપરાંત ૧૦ ટકા જ દંડ ભરવાનો થાય છે. આ ઉપરાંત એક મહિનાની અંદર સંપર્ક કરે તો રપ ટકા અને એક મહિના બાદ સંપર્ક કરવામાં આવે તો જીએસટીની રકમ ઉપરાંત ૫૦ ટકા દંડ ભરવો પડતો હોય છે. આ ઉપરાંત વેપારી સામે ચાલીને જીએસટી વિભાગનો સંપર્ક કર્યો હોવાથી તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવતી નથી.

(11:19 am IST)