Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

નોટબંધી અસંગઠિત ઉદ્યોગોને ખતમ કરવાનું કાવતરું : રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતાના મોદી સરકાર પર આકરા પ્રહાર : નોટબંધી કરીને ઉદ્યોગપતિઓનાં બેન્કનાં દેવાં માફ કરાયા ગરીબો, ખેડૂતો, મજૂરો, નાના દુકાનદારો પરનું આક્રમણ

નવી દિલ્હી, તા. ૩ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે તેમના મોદી સરકાર પરના પ્રહારો જારી રાખ્યા હતા. મોદી સરકારની સતત ટીકા કરી રહેલા રાહુલ ગાંધીએ નોટબંધીના મુદ્દે તીર તાણ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ચાર વર્ષ પહેલાં લાગુ કરાયેલી નોટબંધી અનઓર્ગેનાઈઝડ સેક્ટર પરનું આક્રમણ હતું. તેની પાછળનો ઈરાદો આ સેક્ટરમાંથી રોકડ રકમ કાઢવાનો હતો. નોટબંધીથી કોઈ ફાયદો થયો નથી. આખા દેશે તેની સામે લડવાની જરૂર છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધી હિન્દુસ્તાનના ગરીબો, ખેડૂતો, મજૂરો અને નાના દુકાનદારો પરનું આક્રમણ હતું. નોટબંધી પછી આખું ભારત બેક્નો સામે જઈને ઉભું રહ્યું હતું. દરેકે પોતાના પૈસા બેક્નમાં જમા કરાવ્યા હતા પણ એ પછી શું કાળું નાણું ખતમ થયું? ના નથી થયું. ભારતની ગરીબ જનતાને નોટબંધીનો કોઈ ફાયદો મળ્યો નથી.  તેમણે કહ્યું કે, નોટબંધીનો ફાયદો અબજોપતિઓને થયો છે. તમારા પૈસા તમારા ગજવામાંથી કાઢીને તેનો ઉપયોગ ધનિકોનું દેવું માફ કરવા માટે કરાયો હતો. કેશલેસ ઈકોનોમીના કારણે દેશનો અનઓર્ગેનાઈઝડ સેક્ટર ખતમ થવાના આરે છે. નોટબંધીથી રોકડનો ઉપયોગ કરતા ખેડૂતો, મજૂરો અને નાના નાના વ્યવસાય કરતા લોકોને નુકસાન થયુ છે. ઉલ્લેખનીય છે કે, ૮ નવેમ્બર,૨૦૧૬ના રોજ નોટબંધી લાગુ કરાઈ હતી.જેના ભાગરુપે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો ચલણમાંથી રદ કરી દેવાઈ હતી.

(12:00 am IST)