Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

હવે જીએસટી રીફંડ માટે સિંગલ વીંડો

રિફંડ માટે બહુ રાહ નહી જોવી પડે

નવી દિલ્હી તા.૪: નિકાસકારોને હવે જીએસટી રીફંડ મેળવવા માટે લાંબી રાહ નહીં જોવી પડે. સરકાર આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે એવી સીસ્ટમ બનાવી રહી છે જેમાં સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટીનું રીફંડ એક સાથે  એક જ અધિકારી નક્કી કરી શકશે. સુત્રોએ જણાવ્યું કે આ મહિનાથી સિંગલ ઓથોરીટી દ્વારા જીએસટી રિફંડ આપવાની સુવિધા શરૂ થઇ જશે. તેના હેઠળ જો કોઇ નિકાસકાર જીએસટી અધિકારી પાસે રિફંડનો દાવો કરે તો તે અધિકારી તેને મંજૂરી આપીને સીજીએસટી અધિકારીને મોકલી આપશે જે પોતાના લેવલ પરજ સીજીએસટી અને એસજીએસટીનું રિફંડ આપશે. મહિનાના અંતમાં કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ તેને અંદરો અંદર એડજસ્ટ કરી લેશો આમ વેપારીને રિફંડ મેળવવામાં મોડું નહી થાય.

સિંગલ ઓથારીટી દ્વારા રિફંડ આપવાની સુવિધા માટે જરૂરી દિશા નિર્દેશો તૈયાર થઇ રહ્યા છે. ૨૦ સપ્ટેમ્બરે ગોવામાં થનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ સુવિધા અંગે ચર્ચા થઇ શકે છે. કાઉન્સીલના અધિકારી આ મુદ્દે રાજયોના નાણાપ્રધાનો સમણ વિસ્તૃત પ્રેઝન્ટેશન આપશે. જીએસટી લાગુ થયા પછીથી નિકાસકારોને રિફંડ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી આ સુવિધા ઉભી કરવાની જરૂર પડી છે. નાના અને મધ્યમ નિકાસકારોને આ મુશ્કેલીનો સામનો વધારે કરવો પડે છે કેમકે રિફંડ ન મળવાથી તેમની મુડીનો પ્રવાહ રોકાઇ જાય છે. તેના લીધે તેમને આગળના ઓર્ડરો પુરા કરવામાં તકલીફનો સામનો કરવો પડે છે. આજની તારીખે નિકાસકારોના લગભગ ૧૦૦૦૦ કરોડના રીફંડના દાવાઓ અટકાયેલા પડ્યા છે.

(11:34 am IST)