Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મહિલાને પેન્શન પહોંચાડવા ટપાલીનો ૨૫ કિમી પ્રવાસ

ટપાલનું મહત્વ ભલે ઘટ્યું, જરૂરિયાત યથાવત : પોસ્ટમેન દર મહિને ૧૦૦૦ રૂપિયાનું પેન્શન પહોંચાડવા કલાક્કડ મુંડનથુરાઈ ટાઈગર રિઝર્વ જંગલમાં જાય છે

ચેન્નાઈ, તા.૪ : હવે સ્માર્ટફોન અને ઇમેઇલે પત્ર અને ટપાલનું મહત્વ ઘટાડી દીધું છે, પણ દેશના અંતરિયાળ વિસ્તારો આજે પણ પેન્શન અથવા જરુરી કાગળપત્રો માત્ર પોસ્ટ દ્વારા જ પહોંચાડવામાં આવે છે. આ પોસ્ટ વિભાગના અભિન્ન અને અમૂલ્ય અંગ તરીકે પોસ્ટમેન આ વિસ્તારોના લોકોના મનમાં એક અલાયદું સ્થાન ધરાવતા હોય છે. ત્યારે તમિલનાડુના એક પોસ્ટ માસ્તરે લોકોના દિલ જીતી લીધા છે. હકીકતમાં, ૫૫ વર્ષીય પોસ્ટ માસ્ટર પાંચ મહિના પહેલા ૧૧૦ વર્ષની મહિલાને આપેલું વચન પૂર્ણ કરવા માટે દર મહિનાના એક રવિવારે 'કલાક્કડ મુંડનથુરાઈ ટાઈગર રિઝર્વ જંગલ'માં એક દિવસનો લાંબો પ્રવાસ કરે છે અને મહિલાનું પેન્શન તેમના સુધી પહોંચાડે છે.

પાપાનસમ અપર ડેમ શાખાના એસ. ક્રિસ્ટુરાજાને આ ખાસ મિશન ત્યારે મળ્યું જ્યારે કલેક્ટર વી. વિષ્ણુ ટાઈગર રિઝર્વમાં આવેલા ઈન્જિકુઝી આદિવાસી વસાહતની મુલાકાત દરમિયાન૧૧૦ વર્ષના કુટ્ટિયામ્માલ નામના વૃદ્ધ મહિલાને મળ્યા હતા. હકીકતમાં, કલેકટરે વૃદ્ધ મહિલાને ૧,૦૦૦ રુપિયાનું માસિક વૃદ્ધાવસ્થા પેન્શન આપવાની ખાતરી આપી હતી, અને અધિકારીઓને ભારતીય પોસ્ટ ઓફિસ (આઈપીઓ) મારફતે તેનું પેન્શન મોકલવાનો નિર્દેશ આપ્યો હતો.

ક્રિસ્ટુરાજાએ 'ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ' સાથે વાત કરતાં જણાવ્યું હતું કે' હું પહેલા હોડી દ્વારા ૪ કિલોમીટરનો પ્રવાસ કરું છું. પછી લગભગ ૧૦ કિલોમીટર ચાલીને આગળ વધું છું. જોકે, ડેમમાં પાણીનું સ્તર નીચું હોય ત્યારે તેમને ૨૫ કિમી ચાલવું પડે છે. આ મુસાફરી દરમિયાન, ઘણી વખત લીચ તેમને પોતાનો શિકાર બનાવે છે.

તેમની ફરજના ભાગ રુપેનો આ પ્રવાસ આખો દિવસ ચાલે છે, તેથી પોસ્ટમાસ્ટર ફક્ત રવિવારે જ અહીં ડિલિવરી કરવા માટે આવે છે. તે કહે છે, 'હું આ પ્રવાસ સવારે ૭ વાગ્યે શરૂ કરું છું. જંગલમાં જ નદી કિનારે નાસ્તો કર્યા પછી હું વસાહતની બાજુમાં આવલા મંદિરે પહોંચું છું અને ત્યાં નદીમાં સ્નાન કર્યા પછી હું કુટ્ટિયામ્માલના ઘરે જાઉં છું.

કુટ્ટિયામ્માલને પેન્શન સોંપ્યા બાદ અને તેમની સાથે થોડીવાર વાતચિત કર્યા પછી ફરી સાંજે ૫ વાગ્યા સુધીમાં હોડી પકડવા માટે રિટર્ન પ્રવાસ શરું કરે છે. ક્રિસ્ટુરાજાએ ૧૯ મે, ૧૯૯૭ ના રોજ 'એક્સ્ટ્રા ડિપાર્ટમેન્ટલ ડિલિવરી એજન્ટ' તરીકે નોકરી શરૂ કરી હતી. તે જંગલમાં સ્થિત અગસ્તિયાર કાની વસાહતનો રહેવાસી છે. વૃદ્ધ મહિલાની વાત કરીએ તો તેના ૪૦ વર્ષના સંબંધી અયપ્પન કહે છે કે પેન્શન મળવાથી તેમને માનસિક શાંતિ મળી છે.

મહત્વનું છે કે થોડા સમય પહેલા તમિલનાડુના ૬૫ વર્ષીય ડી.શિવનની કહાની પણ ઇન્ટરનેટ પર આવી હતી. તેઓ પણ પોસ્ટમેન છે.

હકીકતમાં સિવન જેમને મહિને ૧૨,૦૦૦ રુપિયાનો પગાર મળે છે તોઓ લોકોને પત્રો પહોંચાડવા માટે દરરોજ લગભગ ૧૫ કિમીના પર્વતીય અને જંગલી રસ્તાની મુસાફરી કરે છે. આ દરમિયાન તેમને જંગલી પ્રાણીઓનો પણ સામનો કરવો પડે છે. પરંતુ મુશ્કેલ રસ્તાઓ અને ખતરનાક પ્રાણીઓ પણ તેમની કર્તવ્ય ભાવનાને નબળી કરી શક્યા નથી!

(7:34 pm IST)