Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

પાકિસ્તાન માટે ચીને અત્યાધુનિક જહાજનું નિર્માણ કરતા ચિંતા

નવું જહાજ પાક નેવીમાં સૌથી અત્યાધુનિક : આ જહાજ સામેલ થયા બાદ પાક નેવીની ક્ષમતામાં વધારો થશે, જહાજમાં એન્ટી એર વેપન સિસ્ટમ લગાવાઈ છે

નવી દિલ્હી, તા.૪ : પાકિસ્તાનના ખાસ મિત્ર ગણાતા ચીને હિન્દ મહાસાગરમાં પાકિસ્તાનને વધારે મજબૂત બનાવવા પાક નેવી માટે એક અત્યાધુનિક યુધ્ધ જહાજનું નિર્માણ કર્યું છે.

આજે શાંઘાઈના શિપયાર્ડમાં શિપને લોન્ચ કરવામાં આવ્યુ હતુ.પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે, આ નવુ જહાજ પાક નેવીમાં સામેલ સૌથી અત્યાધુનિક જહાજો પૈકીનુ એક છે.

જેમાં અત્યાધુનિક સરફેસ, સબ સરફેસ અને એન્ટી એર વેપન સિસ્ટમ લગાવવામાં આવી છે.ઉપરાંત ઈલેક્ટ્રોનિક વોરફેર માટે તેમજ જમીન તથા આકાશમાં નજર રાખવા માટેના ઉપકરણો અને સેન્સર લગાવવામાં આવશે. આ જહાજ સામેલ થયા બાદ પાક નેવીની ક્ષમતામાં વધારો થશે.

ચીન પાકિસ્તાનમાં ઈકોનોમિક કોરિડોર પણ બનાવી રહ્યુ છે.જે ચીનના મહત્વકાંક્ષી વન બેલ્ટ એન્ડ રોડ યોજનાનો મહત્વનો હિસ્સો છે. ઉપરાંત ચીન અને પાકિસ્તાન વચ્ચે ઘાતક હથિયારો માટેની ડીલ પણ થઈ રહી છે. જે ભારત માટે ખતરાની ઘંટડી છે.

ચીન સાથે પાકિસ્તાને હથિયારો માટે સાત અબજ ડોલરની ડીલ તાજેતરમાં કરી હતી. ચીન પાકિસ્તાનને આઠ સબમરિન પણ આપવાનુ છે. આ પૈકીના ચાર સબમરિન પાકિસ્તાનને ૨૦૨૩માં મળી જશે. જેમાં એર ઈન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન સિસ્ટમના કારણે ઓછો અવાજ થાય છે અને પાણી નીચે તેનો પતો લગાવવા મુશ્કેલ બને છે.

(7:34 pm IST)