Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

જો વ્યભિચારના પ્રાથમિક પુરાવા ના હોય તો DNA ટેસ્ટની મંજૂરી ના આપી શકાય

પતિને પત્નિના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા હતીઃ સુપ્રીમ કોર્ટે પતિની દીકરીનો DNA ટેસ્ટ કરવાની માંગ ફગાવી દીધી : સુપ્રીમ કોર્ટે પિતા દ્વારા કરવામાં આવેલી દીકરીના DNA ટેસ્ટની માંગ ફગાવીઃ પત્નિ પર શંકા હોવાને કારણે પતિએ ફેમિલી કોર્ટમાં DNA ટેસ્ટની અરજી કરી હતીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું કેઃ ડીએનએ ટેસ્ટએ ગૌણ પુરાવો છે, મુખ્ય પુરાવો હોવો જરૂરી છે

નવી દિલ્હી, તા.૪: મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો વ્યભિચારના ઠોસ પુરાવા ન હોય તો બાળકની કાયદેસરતા સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટનો આદેશ આપવામાં આવી શકાય નહીં. જસ્ટિસ વિનીત સરન અને દિનેશ મહેશ્વરીની પીઠે બોમ્બે હાઈકોર્ટ અને નીચલી અદાલતના ચુકાદાને રદ્દ કર્યો હતો. આ ચુકાદામાં પતિની અરજીના આધારે બાળકના ડીએનએ ટેસ્ટને મંજૂરી આપવામાં આવી હતી. પતિ અને પત્ની વચ્ચે અણબનાવ હતો અને પતિનો આરોપ હતો કે તે બાળકનો પિતા નથી અને પત્નીએ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ઈન્ડિયન એવિડન્સ એકટના સેકશન ૧૧૨માં બાળકની કાયદેસરતાની ધારણાની વાત કરવામાં આવી છે. આ સેકશનના સંદર્ભમાં કોર્ટની પીઠે જણાવ્યું કે, વ્યભિચારને સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટનો આદેશ ના આપી શકાય, આ ચુકાદો આપવામાં નીચલી અદલાત અને હાઈકોર્ટે ભૂલ કરી છે. વ્યભિચારના આરોપોને સાબિત કરવા માટે અમુક પ્રાથમિક પુરાવા હોવા જોઈએ તો જ કોર્ટ ડીએનએ ટેસ્ટ દ્વારા વૈજ્ઞાનિક પુરાવા માટેનો આદેશ આપી શકે છે.

સુપ્રીમ કોર્ટની પીઠે પતિના કાઉન્સિલ મનિષા કારિયાને પ્રશ્ન કર્યો કે, મુખ્ય પુરાવો કયાં છે? આ રીતે ડીએનએ ટેસ્ટ ના કરી શકાય. તમારે સૌપ્રથમ તો વ્યભિચારના પ્રાથમિક પુરાવા રજુ કરવા પડે, પછી ડીએનએનો આદેશ આપી શકાય. કેસની માહિતી અનુસાર, દંપત્ત્।ીએ ૨૦૦૮માં લગ્ન કર્યા હતા અને દીકરીનો જન્મ ૨૦૧૧માં થયો હતો. છ વર્ષ પછી પતિએ છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. આ સાથે જ તેણે ફેમિલી કોર્ટમાં દીકરીના ડીએનએ ટેસ્ટ માટે અરજી દાખલ કરી હતી. તેણે કહ્યું કે, મેં છૂટાછેડાની અરજીમાં બાળકીની કાયદેસરતા પર શંકા વ્યકત નથી કરી કારણકે તે સમયે મને લાગતુ હતું કે હું દીકરીનો પિતા છું, પરંતુ પછીથી મને સમજાયું કે હું દીકરીનો પિતા નથી બની શકતો કારણકે શારીરિક સંબંધો દરમિયાન અમે સુરક્ષાનો ઉપયોગ કરતા હતા. ઉલ્લેખનીય છે કે નીચલી અદાલતે તેની અરજીને સ્વીકારી, ત્યારપછી પત્નીએ સુપ્રીમના દરવાજા ખખડાવ્યા હતા.

પત્ની તરફથી કેસ લડી રહેતા સીનિયર એડવોકેટ દેવદત્ત્। કામતે પીઠને જણાવ્યું કે, પતિ દ્વારા કરવામાં આવેલી છૂટાછેડાની અરજીમાં વ્યભિચારનો કોઈ આરોપ મુકવામાં નથી આવ્યો. તેના દ્વારા મુકવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કોર્ટે ડીએનએ ટેસ્ટની માંગને ફગાવી છે અને જણાવ્યું કે, વ્યભિચારના કેસમાં પ્રાથમિક પુરાવાઓ ન હોવાને કારણે ડીએનએ ટેસ્ટની માંગ સ્વીકારવામાં આવતી નથી, કારણકે તેની ગણતરી ગૌણ પુરાવામાં થાય છે.

આ સિવાય કોર્ટની પીઠે પતિ-પત્નીને સલાહ આપી કે તેમણે વ્યભિચાર અને ડીએનએના મુદ્દાને વચ્ચે લાવ્યા વિના છૂટાછેડાની પ્રક્રિયા પર ધ્યાન આપવું જોઈએ.

(4:02 pm IST)