Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સ્મશાનમાં ૯ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને જીવતી સળગાવવામાં આવી?

દિલ્હી થઈ શર્મસાર! ફરી એકવાર એવી ઘટના બની જેના કારણે લોકો રોષે ભરાયા છે : શું સ્મશાનમાં પાણી ભરવા ગયેલી ૯ વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું? પરિવારે પૂજારી અને અન્ય લોકો પર મંજૂરી વિના અંતિમ-સંસ્કાર કરી નાખવાનો આરોપ મુકયો

નવી દિલ્હી, તા.૪: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર એવી ઘટના બની છે જેના કારણે લોકો ખુબ રોષે ભરાયા છે. દિલ્હીના છાવણી પાસે જૂના નાંગલમાં એક સ્મશાનમાં નવ વર્ષની બાળકીની હત્યા અને પરિવારની મંજૂરી વિના મૃતદેહને સળગાવવાની દ્યટના સામે આવી છે. દિલ્હી પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. પહેલા પોલીસે સામાન્ય ગુના નોંધ્યા હતા, પરંતુ પછીથી ગેંગરેપ, હત્યા અને પોકસો એકટ જેવી કલમો ઉમેરી હતી.

આરોપ છે કે સ્મશનાન ઘાટમાં બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને પછી જેને જીવતી સળગાવવામાં આવી. આરોપ સ્મશાન દ્યાટના પંડિત અને ત્રણ અન્ય લોકો પર છે. આ કેસની પ્રાથમિક તપાસમાં પોલીસે લાપરવાહીને કારણે મૃત્યુ, પુરાવાના નષ્ટ કરવા અને પરિવારને જાણ કર્યા વિના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો વગેરે જેવા ગુના દાખલ કર્યા હતા. સોમવારે સાંજે આ કેસ બાબતે એસસી-એસટી કમિશન સાથે થયેલી મીટિંગ પછી પોલીસે ગેંગરેપ, હત્યા, પોકસો, એસસી-એસટી એકટ અને હત્યાની ધમકી સહિતના અનેક ગુના નોંધ્યા હતા. પોલીસે આ કેસમાં પૂજારી રાધે શ્યામ(૫૫), કુલદીપ કુમાર(૬૩), લક્ષ્મી નારાયણ(૪૮) અને મોહમ્મદ સલીમ(૪૯)ની ધરપકડ કરીને જેલ મોકલ્યા છે.બાળકીના પિતાનું કહેવું છે કે, રવિવારે સાંજે લગભગ ૫.૩૦ વાગ્યે તેમની દીકરી સ્મશાન ઘાટમાં પાણી લેવા ગઈ હતી, ત્યારપછી પાછી નહોતી આવી. પંડિતે અમુક લોકોને મોકલીને મારી પત્નીને બોલાવી અને કહ્યું કે તમારી દીકરી હવે નથી રહી. જયારે પૂછવામાં આવ્યું કે દીકરીને શું થયું તો પૂજારીએ કહ્યું કે, વોટર કૂલરમાં કરંટ લાગવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે. પોલીસ અને ડોકટરને બોલાવવાની જરુર નથી, તેના અંતિમ-સંસ્કાર અહીં જ કરી દઈએ છીએ. જયારે મેં આ વાતની ના પાડી તો તેમણે મારી પત્નીને સમજાવી. તેણે પણ આ વાતથી ઈનકાર કર્યો પરંતુ તેમણે બળજબરીપૂર્વક મારી દીકરીના અંતિમ સંસ્કાર કરી નાંખ્યા.

પોસ્ટમોર્ટમથી પોલીસને કંઈ જાણવા નથી મળ્યું. મૃતદેહના પગના ભાગના એક બાકી રહેલા ભાગનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું પરંતુ તેનાથી જાણી ના શકાયું કે મૃત્યુ કયા કારણોસર થયું છે. પોલીસે તપાસ માટે વોટર કૂલરને ફોરેન્સિક લેબમાં મોકલ્યું છે. લેબમાં તપાસ કર્યા પછી જાણવા મળશે કે ખરેખર તેનું મૃત્યુ કરંટ લાગવાથી થયું છે કે નહીં. જાણકારોનું કહેવું છે કે, પોલીસે જો ,ટના પછી તાત્કાલિક તપાસ કરી હોતી તો સ્પષ્ટપણે વાતો સામે આવી જતી.

સ્થાનિકો પોલીસની તપાસની પદ્ઘતિ પર સવાલ કરી રહ્યા છે. આરોપ છે કે પોલીસે આરોપીઓના નિવેદનને મહત્વ આપ્યું અને સામાન્ય ગુના દાખલ કર્યા. જયારે એસસી-એસટી કમિશને દખલ કરી ત્યારે પોલીસે યુટર્ન લીધું અને ગંભીર આરોપો મુકયા. ઉલ્લેખનીય છે કે પીડિત પરિવાર મૂળ રાજસ્થાનના ભરતપુરના નિવાસી છે. તેઓ રોજગારની શોધમાં દિલ્હી આવ્યા હતા. કચરો વીણીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. બાળકીના પિતાનું કહેવું છે કે તેમની દીકરી પહેલા પણ ઘણીવાર સ્મશાનમાં પાણી ભરવા જતી હતી. પરંતુ અમને વિચાર પણ નહોતો આવ્યો કે આવુ કંઈ થઈ શકે છે. તે મારી એકમાત્ર સંતાન હતી, અંતિમ વાર તેનો ચહેરો જોવા પણ ના મળ્યો.

(4:01 pm IST)