Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

IT સેકટરમાં નોકરીઓનો વરસાદઃ બોનસથી લઈને બાઈક સુધીની ઓફર આપી રહી છે કંપનીઓ

જો તમે આઈટી સેકટરમાં હોવ અને વધુ સારી નોકરીની શોધમાં હોવ તો આ સૌથી શ્રેષ્ઠ સમય છે, મોટી સંખ્યામાં ભરતી કરી રહી છે કંપનીઓ અનુભવી કર્મચારીઓ પાસે આઈટી સેકટરમાં અનેક ઓફર્સ ઉપલબ્ધ છેઃ કેન્ડિડેટસને આકર્ષવા માટે કંપનીઓ જાતજાતના પ્રયાસ કરી રહી છે

નવી દિલ્હી, તા.૪: ભારતના આઈટી સેકટરમાં નોકરીઓનો વરસાદ થઈ રહ્યો છે. જે કર્મચારીઓ પાસે અનુભવ છે તેમની પાસે અનેક ઓફર્સ ઉપલબ્ધ છે. આ જ કારણે મોટા પ્રમાણમાં રાજીનામાં પણ આપવામાં આવી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કંપનીઓ યોગ્ય કેન્ડિડેટ્સને આકર્ષવા માટે જાતજાતના પ્રયાસો કરી રહી છે. જેમ કે જોઈનિંગ બોનસ આપવું, નવા ફોન આપવા, ફ્લેકસી-વર્કિંગનો પ્રસ્તાવ મુકવો, વગેરે. ફિનટેક ફર્મ ભારતપે નવા જોડાનારા કર્મચારીઓને બીએમડબ્લ્યુ બાઈકની પણ ઓફર આપી રહી છે.

આ સ્થિતિમાં રિક્રુટમેન્ટ કંપનીઓને પણ દ્યણો ફાયદો થઈ રહ્યો છે. રિક્રુટમેન્ટ કંપનીઓ ઓવરનાઈટ કામ કરી રહી છે. કેન્ડિડેટ સાથે નેગોશિએશન કરવું તેમના માટે એક સમસ્યા બની ગઈ છે. તેઓ કેન્ડિડેટને કોઈ ઓફર આપે છે તે પહેલા તો ઉમેદવારને તેનાથી સારી ઓફર મળી ગઈ હોય છે. ત્યારપછી રિક્રુટમેન્ટ કંપનીઓએ કલાયન્ટને ફરીથી પૂછવું પડે છે કે શું તેઓ કેન્ડિડેટને વધારે સારી ઓફર રજુ કરી શકે છે.

ટેલેન્ટ કન્સલ્ટન્સી ફર્મ હાન ડિજિટલના સ્થાપક અને સીઈઓ સરવનન બાબાસુંદરમ જણાવે છે કે તેઓ એક અઠવાડિયામાં ૧૦૦૦થી વધારે ઈન્ટર્વ્યુ શિડ્યુલ કરાવે છે. પરંતુ આમાંથી ૪૦ ટકા કેસમાં ઉમેદવાર હાજર નથી હોતા અથવા તો ઈન્ટરનેટ કનેકિટવિટીની સમસ્યાને કારણે ઈન્ટર્વ્યુ રદ કરવામાં આવે છે અથવા બીજી તારીખ નક્કી કરવામાં આવે છે. જે ૬૦૦ ઈન્ટર્વ્યુ થાય છે તેમાં માત્ર ૭૫ના જ વાત આગળ વધી શકે છે.

આઈટી સ્ટાફિંગ ફર્મ ટીમલીઝ ડિજિટલના વાઈસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ શિવ પ્રસાદ નંદૂરીનું કહેવું છે કે એપ્રિલમાં આઈટી કંપનીઓ તરફથી ટેલેન્ટ ડિમાન્ડ ૫૦૦૦ હતી પરંતુ જૂનના અંતમાં તે વધીને ૨૦,૦૦૦ થઈ ગઈ છે. ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ અને વિપ્રો તરફથી ચાલુ નાણાંકીય વર્ષમાં કુલ મળીને ૧ લાખ લોકોની ભરતી કરવાની છે. કોગ્નિજન્ટ કંપની આ વર્ષે એક લાખ અનુભવી પ્રોફેશનલ્સ અને ૩૦,૦૦૦ ફ્રેશર્સની નિમણુક કરવાની છે. આ સાથે જ કેમ્પસ રિક્રુટમેન્ટ માટે ૪૫,૦૦૦ ઓફર પણ આપશે, જે આવતા વર્ષે કંપનીમાં સામેલ થશે.

(10:29 am IST)