Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

હોલમાર્કિંગ..એક વાર જ્વેલરી તૈયાર થયા બાદ તેમાં સુધારો-વધારો કરવો મુશ્કેલ

૧૬ જૂનથી અમલી બનેલા હોલમાર્કિંગના નિયમોથી મૂંઝવણ હજુ પણ યથાવત : દાગીનામાં ૨ ગ્રામ સુધી જ ફેરફાર કરવા છૂટ તેથી વધુ માટે આખો દાગીનો જ નવો બનાવવાની નોબત

નવી દિલ્હી,તા. ૪: તા.૧૬ જુનથી અમલી બનેલા જવેલરી હોલમાર્કિંગના નિયમોની મુંઝવણ હજુ પણ જવેલર્સ વર્ગમાં પ્રવર્તી રહી છે. એકવાર જવેલરી તૈયાર થઈ જાય તો તેમાં ગ્રાહકની ઈચ્છા અનુસાર તેમાં ફેરફાર કરી શકાતી નથી. ર ગ્રામથી વધુની જવેલરીમાં ફેરફાર માટે આખો પીસ નવો બનાવવો પડે તેવા નિયમો ઘડી દેવાયા છે.

તા.૧૬ જુન ૨૦૨૧થી આખરે ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડઝ(બીઆઈએસ) દ્વારા જવેલરી હોલમાર્કિંગને અમલમાં મુકી દીધો છે. આ સાથે જ સમસ દેશમાંથી જવેલર્સ સંગઠનો હારા હોલમાર્કિંગના સ્ટાન્ડર્ડમાં વધારો કરવાની માંગને પણ સ્વીકારી લઈ કુલ ૬ સ્ટાન્ડર્ડને માન્યતાં આપવામાં આવી છે પરંતુ હોલમાર્કિંગના નિયમોમાંનો એક એચયુઆઈડી(હોલમાર્કિંગ યુનિક આઈડી નંબર)ને લઈને હેરાનગતિ વધી છે. જવેલરી કયાંથી બની કોને બનાવી અને કોણ વેચી રહ્યું છે, જેવી તમામ વિગતો ગ્રાહક સરળતાંથી જાણી શકે તેમજ કોઈ પણ પ્રકારની છેતરામણીથી બચી શકે તે માટે હોલમાર્કિંગ અંતર્ગત એચયુઆઈડી સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જેમાં કોઈ રોકાણકાર કે ગ્રાહક દ્વારા જવેલરીનો ઓર્ડર આવ્યા બાદ ફર્સ્ટ પોઈન્ટ ઓફ સેલ જનરેટ થતાં તેને હોલમાકિંગ કરાવીને યુનિક આઈડી આપવું પડે છે. તે યુનિક આઈડી જનરેટ થઈ ગયા પછી તેમાં કોઈ પણ પ્રકારનો ડિઝાઈન કે સાઈઝને લઈને ફેરફાર કરાવવો મુશ્કેલ બની ગયો છે.

આ અંગે ઈન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિએશનના સ્ટેટ ડિરેકટર નૈનેષ પચ્ચીગર જણાવે છે કે, એક જવેલર્સ જયારે જવેલરી તૈયાર કરવા માટે મોકલે છે, ત્યારે તેની મેકિંગ આધારે હોલમાર્કિંગ અને યુઆઈડી જનરેટ થઈ જાય છે. ત્યારબાદ જયારે ગ્રાહકને જવેલરી પીસ વેચાણ કરવામાં આવે ત્યારે સાઈઝ કે ડિઝાઈનને લઈને કોઈ ફેરફાર હોઈ તો તે કરી શકવો મુશ્કેલ છે. કારણ કે એકવાર યુઆઈડી જનરેટ થાય પછી જો તે પીસમાં ફેરફાર કરવો હોઈ તો નવો આઈડી જનરેટ કરવો પડે અને એક જ જવેલરીને બે વખત  યુઆઈડી આપી નહીં  શકાય માટે આખી જવેલરી નવી તૈયાર કરવી પડે, જેના કારણે મજૂરીનું ભારણ વધી જાય છે. વધુમાં એક જવેલરીમાં ૨ ગ્રામ સુધીનું જ ફેરફાર કરવાની છુટ આપી છે. સામાન્યમાં સામાન્ય જવેલરીમાં ફેરફાર થાય તો ૩ થી પ ગ્રામનો ફેર આવી જતો હોઈ છે. એવામાં નિયમોમાં હળવાશ આવે તેવી અમારી રજૂઆત છે.

એક-એક દાગીના માટે યુનિક આઈડી અલગ

જવેલરીની મેકિંગથી લઈને તેના વજન પ્રમાણે દરેક જવેલરીનો હોલમાર્કિંગ યુનિક આઈડી નંબર અલગ પડતો હોઈ છે. જેના કારણે નાનાથી લઈને મોટા જવેલર્સ દ્વારા વેચાણ થતાં દરેક જવેલરી પીસનો એક અલગ જ યુનિક આઈડી બનતો હોઇ છે. જેની માહિતી ઓનલાઈન પોર્ટલ પર ચઢાવવાથી લઈને મેઇન્ટેઇન કરવુ મુશ્કેલ બની રહ્યુ હોવાની પણ ફરિયાદ છે.

(10:27 am IST)