Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

UPSCનું પરિણામ જાહેરઃ પ્રદિપ‌સિંહ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા ટોપર બન્યાઃ મહિલાઓમાં પ્રતિભા વર્મા ઓલ ઇન્ડિયા રેન્કમાં ત્રીજા સ્થાને

નવી દિલ્હી: સંઘ લોક સેવા આયોગ (UPSC)એ સિવિલ સર્વિસ પરીક્ષા-2019નું પરિણામ મંગળવારે સવારે બહાર પાડી દીધુ. પ્રદીપ સિંહ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા ટોપર બન્યા છે. જ્યારે મહિલાઓમાં પ્રતિભા વર્માએ ટોપ કર્યું છે. તેઓ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્કમાં ત્રીજા સ્થાને છે.

UPSC તરફથી બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ આ વખતે કુલ 829 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી. જેમાં સામાન્ય શ્રેણીના 304, પછાત વર્ગના 251, અનુસૂચિત જાતિના 129, અનુસૂચિત જનજાતિના  67 અને આર્થિક રીતે પછાતના 78 ઉમેદવારો સામેલ છે. આ બધામાં સૌથી સફળ ઉમેદવારને તેમના રેન્ક અને પસંદ મુજબ સેવા ફાળવવામાં આવી છે. IAS સેવામાં 180 ઉમેદવારોને મોકલવામાં આવ્યાં છે. વિદેશ સેવા માટે 24ની પસંદગી થઈ છે. IPS માટે 105 ઉમેદવારો પસંદ કરાયા છે. કેન્દ્રીય સેવા ગ્રુપ માટે 438 અને ગ્રુપ બી માટે 135 ઉમેદવારોની પસંદગી થઈ છે.

આ પરીક્ષામાં પ્રદીપ સિંહ પહેલા નંબરે, જતિન કિશોર બીજા નંબરે, પ્રતિભા વર્મા ત્રીજા નંબરે, હિમાંશુ જૈન ચોથા નંબરે, જયદેવ સીએસ પાંચમા નંબરે આવ્યાં છે. યુપીએસસીનું આખુ રિઝલ્ટ અને ટોપર્સનું લિસ્ટ આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.

અત્રે જણાવવાનું કે યુપીએસસીની મુખ્ય પરીક્ષા ગત વર્ષ સપ્ટેમ્બરમા યોજાઈ હતી. તેમાં સફળ થયેલા ઉમેદવારોના ઈન્ટરવ્યુ આ વર્ષે ફ્રેબ્રુઆરીમાં થવાના હતાં પરંતુ કોરોના મહામારીના કારણે તેને ટાળવામાં આવ્યાં. ત્યારબાદ જુલાઈથી ઈન્ટરવ્યુનો સિલસિલો શરૂ થયો. ઈન્ટરવ્યુ માટે દિલ્હી પહોંચેલા તમામ ઉમેદવારોને આવવા જવાનું ભાડું અપાયું. આ સાથે જ યુપીએસસી ઓફિસ પહોંચીને તેમને એક શિલ્ડ કિટ અપાઈ હતી. જેમાં એક ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, સેનેટાઈઝરની એક બોટલ અને ગ્લોવ્ઝ સામેલ હતાં.

(4:55 pm IST)