Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સરળતા, સાહસ, સંયમ, ત્‍યાગ, વચન બધ્ધતા રામ નામનો સાર છેઃ પ્રિયંકા ગાંધીએ ભગવાનશ્રી રામના ગુણગાન ગાયા

નવી દિલ્હી: અયોધ્યામાં 5 ઓગસ્ટે આયોજિત રામ મંદિરના ભૂમિ પૂજન પર કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની પ્રથમ વખત પ્રતિક્રિયા સામે આવી છે. પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે, ભૂમિ પૂજનનો કાર્યક્રમ એકતા, ભાઈચારો અને સાંસ્કૃતિક સમાગમનો અવસર બનવો જોઈએ.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે,

સરળતા, સાહસ, સંયમ, ત્યાગ, વચનબદ્ધતા રામ નામનો સાર છે. રામ સૌ કોઈમાં છે, રામ સૌની સાથે છે. ભગવાન રામ અને માતા સીતાનો સંદેશ અને તેમની કૃપા સાથે રામલલા મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા, બંધુત્વ અને સાંસ્કૃતિક સમાગમનો અવસર બને.

પ્રિયંકા ગાંધીએ મહાત્મા ગાંધીથી લઈને રાષ્ટ્ર કવિ મૈથિલીશરણ ગુપ્ત અને નિરાલાની પંક્તિઓ દ્વારા ભગવાન રામની પ્રશંસા કરતાં જણાવ્યું કે,

ગાંધીજીના રઘુપતિ રાઘવ રાજા રામ સૌ કોઈને સમ્મતિ આપનારા, રાષ્ટ્રીય કવિ મૈથિલીશરણ ગુપ્ત રામને निर्बल का बल કહે છે, તો મહારાણા નિરાલા ‘‘वह एक और मन रहा राम का जो थका ની પંક્તિઓથી ભગવાન રામની શક્તિની કલ્પના દર્શાવે છે. રામ સાહસ છે, રામ સંગમ છે. રામ સંયમ છે અને રામ સહયોગી છે. રામ સૌ કોઈના છે. ભગવાન રામ સૌ કોઈનું કલ્યાણ ઈચ્છે છે. આથી જ તેઓ મર્યાદા પુરુષોત્તમ છે.

કોંગ્રેસમાં રામ મંદિરને લઈને અલગ-અલગ પ્રતિક્રિયા

જણાવી દઈએ કે, ભાજપ હંમેશા કોંગ્રેસ પર રામ મંદિરના રસ્તામાં અડચણનો આરોપ લગાવતી રહી છે. જો કે કોંગ્રેસ પાર્ટીના અનેક મોટા નેતા બાબરી મસ્જિદનું તાળુ ખોલવાનું અને પૂજાની શરૂઆત કરવાની ક્રેડિટ દેતા આવ્યા છે.

જો કે રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને કોંગ્રેસમાં અલગ-અલગ મત છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ ભૂમિ પૂજનના કાર્યક્રમનું સમર્થન કર્યું છે. આ સાથે જ તેમણે લોકોને ભૂમિ પૂજનની શુભેચ્છા પણ પાઠવી છે.

આટલું જ નહીં, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે કાલે થવા જઈ રહેલા ભૂમિ પૂજનના ઠીક એક દિવસ પહેલા ભોપાલમાં તેમના સરકારી આવાસ પર રામ દરબાર ભરાયો છે. જ્યાં હનુમાન ચાલીસાના પાઠ થઈ રહ્યાં છે. આ કાર્યક્રમમાં કમલનાથના પરિવારના સભ્યો ઉપરાંત પાર્ટીના કેટલાક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કમલનાથ હનુમાનજીના ભક્ત છે. તેમણે પોતાના વિસ્તાર છીંદવાડામાં 101 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિની સ્થાપના પણ કરાવી છે.

બીજી તરફ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે રામ મંદિરના ભૂમિ પૂજનના મુહૂર્તને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, હાલ કોઈ શુભ મુહૂર્ત નથી. આથી હાલ થોડી સમય માટે ભૂમિ પૂજન ટાળવું જોઈએ.

જણાવી દઈએ કે, અયોધ્યામાં 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિ પૂજન કરવાના છે. જેમાં ભારતના લગભગ 36 આધ્યાત્મિક પરંપરાઓના 135 સંતોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

(4:48 pm IST)