Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

૧૨ ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર

ભારે વરસાદથી મુંબઇના હાલ - બેહાલ

શહેરમાં ગઇરાતથી દે ધનાધન વરસાદ : મોટાભાગના વિસ્તારોમાં કેડ સુધીના પાણી : ટ્રેન વ્યવહાર ખોરવાયો : જનજીવન અસ્તવ્યસ્ત : દુકાનો - બજારો બંધ : સરકારી ઓફિસોમાં રજા જાહેર : દરિયો ગાંડોતૂર : ૪.૫૧ મીટર ઉંચા મોજા ઉછળ્યા : ભેખડો ધસી પડતા ટ્રાફિક : રેડએલર્ટઃ૧નું મોત

મુંબઇ તા. ૪ : વરસાદે મુંબઇના બેહાલ કરી દીધા છે. ભારે વરસાદના કારણે મુંબઇ જળબંબાકાર થઇ ગયું છે. શહેરમાં ગઇકાલ રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. ગઇકાલે રાતથી અત્યાર સુધીમાં કુલ ૧૨ ઇંચ વરસાદ ખાબકયો છે. જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઠેર ઠેર ભેખડો ધસી પડવાના બનાવોના કારણે ટ્રાફિક અટવાયો છે. હવામાન વિભાગે આગામી ૪૮ કલાક માટે મુંબઇ અને થાણે માટે રેડ એલર્ટ જારી કર્યું છે. ભારે વરસાદથી ૧નું મોત થયું છે.

ભારે વરસાદને કારણે મુંબઇ અને થાણે જિલ્લામાં ભારે અસર પડી હતી, અનેક સ્થળોએ પાણી ભરાવાના કારણે સ્થાનિક ટ્રેન સેવાઓ અને વાહન વ્યવહાર પર અસર પડી હતી.

અરબી સમુદ્ર ઉપર સક્રિય ચોમાસાને કારણે મંગળવારે મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આને કારણે દેશની આર્થિક રાજધાનીમાં જીવન અટકી ગયું છે. અહીંની જીવાદોરી કહેવાતી લોકલ ટ્રેન સેવા અટકી ગઈ છે. મહાનગરના દરેક ક્ષેત્રમાં પાણી ભરાયા છે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર મુંબઈ શહેરમાં છેલ્લા ૧૦ કલાકમાં ૨૩૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્ર ઉપર ચોમાસુ સક્રિય થતાં મુંબઇમાં સોમવારે ભારે વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદની સાથે ચેતવણી પણ જાહેર કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈના દરીયામાં ભરતી આવી શકે છે, જે દરમિયાન દરિયાઇ મોજાં ૪.૪૫ મીટર સુધી ઉછળી શકે છે. સમુદ્રની આસપાસ રહેતા લોકોને ઘરની બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે. વળી, બીએમસીએ લોકોને મુંબઈના અન્ય ઘણા ભાગોમાં બહાર ન નીકળવા અપીલ કરી છે.

ભારે વરસાદને કારણે મુંબઇમાં તમામ ચાર લાઈનો પર રેલ ટ્રાફિક બંધ થઈ ગયો છે. આને કારણે મુંબઈ લોકલની સેવા અટકી ગઈ છે. અવિરત વરસાદને કારણે મુંબઈના કાંદિવલી વિસ્તારમાં પાણી ભરાયા હતા. કેટલાક સેકટરમાં, ટ્રેક ઉપર પાણી ભરાવાના કારણે લોકલ ટ્રેનોને અસર થઈ છે. ટ્રેનોના સંચાલનમાં બ્રેક લગાવવામાં આવી છે.

સવારથી જ મુંબઈ ડૂબી જતું જોવા મળી રહ્યું છે. મોડી રાતથી માયાનગરીમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

મુંબઇમાં અનેક વિસ્તારોમાં ગાડીઓ ડુબી ગઇ છે. માર્ગો પર વૃક્ષ ધરાશાયી થઇ રહ્યા છે તેમજ વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. હવામાન ખાતાએ ૨૪ કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

મુંબઇ બીએમસીએ શહેરમાં મુંબઇવાસીઓને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. બીએમસીએ મુંબઇની દરેક પ્રાઇવેટ ઓફિસને અપીલ કરી છે કે ભારે વરસાદ અને હાઇટાઇડની ચેતવણીના લીધે રેડ એલર્ટ છે તો ઓફિસો બંધ રાખવામાં આવે.

(3:10 pm IST)