Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

મધ્ય ભારત - ગુજરાત અને પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસાનું જોર વધશે

બંગાળની ખાડીમાં લો-પ્રેસર બન્યુ : ઓડીસ્સા, છત્તીસગઢ, મહારાષ્ટ્રના અમુક ભાગોને કવર કરી ગુજરાત પહોંચશે : અરબી સમુદ્રમાં ચોમાસુ કરંટના પગલે સૌરાષ્ટ્ર - ગુજરાતભરમાં મુશળધાર વરસશે : સ્કાયમેટ

નવી દિલ્હી : વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટે જણાવ્યુ છે કે આગામી ત્રણ - ચાર દિવસ દેશના મધ્ય ભારત, ગુજરાત અને પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં નૈઋત્ય ચોમાસાનું જોર વધશે. બંગાળની ખાડીમાં લોપ્રેસર અને અરબી સમુદ્રમાં ચોમાસાના કરંટના પગલે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે.

મધ્ય ભારત અને પશ્ચિમી દરિયાકિનારાના વિસ્તારોમાં ચોમાસાની હલચલ જોવા મળી રહી છે. આજથી ત્રણ દિવસ એટલે કે ૬ ઓગષ્ટ સુધી ગોવાથી મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારો તેમજ ગુજરાતમાં વ્યાપક વરસાદ પડશે. મુંબઈમાં ગઈકાલથી જ મેઘરાજા વરસી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અહિં વરસાદનું જોર યથાવત રહેશે.

કેરળથી કર્ણાટકના દરિયાઈપટ્ટીના વિસ્તારોના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ કયાંક ભારે પડશે. કેરળમાં અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે. પરંતુ આવતીકાલથી કેરળમાં વરસાદી એકટીવીટીમાં વધારો થશે. લક્ષદ્વીપ, કેરળ અને દરિયા કિનારાના વિસ્તારોમાં સારો વરસાદ પડશે.

મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્રમાં પણ કટકે - કટકે વરસાદ પડી શકે છે.

બંગાળની ખાડીમાં આજે લોપ્રેસર બનશે. ઓડીસ્સા, છત્તીસગઢ, મહારાષ્ટ્રના અમુક ભાગોને કવર કરી ગુજરાત સુધી પહોંચી જશે. આ સિસ્ટમ્સની અસરથી અને અરબી સમુદ્રમાં મોનસુન કરંટના પગલે ગુજરાતભરમાં સારો વરસાદ પડશે. મધ્ય પ્રદેશમાં પણ વરસાદ શરૂ થઈ જશે.

રાજસ્થાનના પૂર્વ ભાગોમાં ચોમાસુ મહેરબાન છે. ઉત્તરથી ઉત્તર પૂર્વ અને દક્ષિણના ભાગોમાં બે થી ત્રણ દિવસ હળવાથી મધ્યમ અને ૬ ઓગષ્ટ સુધી અન્ય ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.

પુર્વોત્તર ભારતમાં બિહાર, હિમાલય, સિક્કિમ, મેઘાલય, મણીપુર, આસામમાં વરસાદની સંભાવના નથી. જયારે ઉત્તર પશ્ચિમ રાજયોના દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ચોમાસુ ૬ ઓગષ્ટ સુધી નબળુ રહેશે. નોંધપાત્ર વરસાદની સંભાવના નથી.

(10:48 am IST)