Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ટ્રસ્ટે આપ્યું મહત્વનું કારણ : ફોન કરી માંગી માફી

અડવાણી કલ્યાણસિંઘને રામ મંદિરના ભૂમિ પૂજન માટે કેમ આમંત્રણ નહિ?

નવી દિલ્હી,તા.૪ : અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ૫ ઓગસ્ટે અહીં ભૂમિ પૂજન થવાનું છે. ભૂમિ પૂજન માટે લગભગ ૨૦૦ લોકોને આમંત્રણ અપાયું છે. આ લિસ્ટમાં ભાજપના સીનિયર નેતા અને રામ મંદિર આંદોલનના આગેવાન નેતા લાલકૃષ્ણ અડવાણી અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નામ નથી.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, ભૂમિ પૂજનનો કાર્યક્રમમાં દેશના ઉપરાંત નેપાળના સંતો સુધીના મહાનુભાવોને બોલાવાયા છે. કેટલાક લોકો સંતોને પણ દલિત કહે છે, જયારે કે તે લોકો ભગવાનના લોકો છે. ભારતના ભૂગોળનો દરે ભાગ અહીં પર રહેશે. સંત મહાત્મા મળીને લગભગ ૧૭૫ લોકો સામેલ થશે. તેમણે જણાવ્યું કે, પદ્મશ્રી મેળવી ચૂકેલા ફૈઝાબાદના મોહમ્મદ યુનુસને પણ બોલાવાયા છે. તેઓ બિનવાલસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે, પછી તે ગમે તે ધર્મના વ્યકિતની હોય.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, જેમને નથી બોલાવી શકાયા તેમની વ્યકિતગત રીતે ફોન કરીને માફી માગી છે. ઉંમરનું ધ્યાન પણ રખાયું છે. ૯૦ વર્ષની વ્યકિત કઈ રીતે આવી શકશે. અડવાણીજી કેવી રીતે આવશે. ચંપત રાયે કહ્યું કે, મેં કલ્યાણ સિંહને કહ્યું કે, તમારી ઉંમર વધારે છે, તમે આ ભીડમાં ન આવો. તેઓ માની ગયા.

લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા શરૂ કરી. જોકે, બિહારના તત્કાલિન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે સમસ્તીપુર જિલ્લામાં તેમની અટકાયત કરી લીધી હતી. ચાર્જશીટ મુજબ, અડવાણીએ છ ડિસેમ્બર, ૧૯૯૨એ કહ્યું હતું કે,  આજ કારસેવાનો છેલ્લો દિવસ છે.  અડવાણી સામે મસ્જિદ તોડી પાડવાનું ષડયંત્ર રચવાનો કેસ હજુ પણ ચાલી રહ્યો છે.

 કલ્યાણ સિંહ ૧૯૯૨એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તે સમયે જ ૬ ડિસેમ્બર ૧૯૯૨એ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. તેમના પર આરોપ છે કે, તેમની પોલીસ અને વહીવટીતંત્રએ જાણી-જોઈને કારસેવકોને ન રોકયા. બાદમાં કલ્યાણ સિંહ ભાજપથી અલગ થયા અને રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટી બનાવી. પરંતુ, બાદમાં તેઓ ફરી ભાજપમાં આવી ગયા હતા. કલ્યાણ સિંહનું નામ ૧૩ લોકોમાં સામેલ છે, જેમના પર મસ્જિદ તોડી પાડવોનું ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો હતો.

(10:29 am IST)