Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અયોધ્યામાં દીવાળીનો માહોલ : ભૂમિપૂજનનું કાઉન્ટ ડાઉન

રામનગરી અયોધ્યામાં કાલે સુવર્ણ અવસર : ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણનું થશે ભૂમિ પૂજનઃ આજથી પૂજન - અનુષ્ઠાન - સાંજે દીપોત્સવ : મહેમાનોના આગમનનો પ્રારંભ : સમગ્ર શહેર રામમય : કરોડો હિન્દુઓનું સપનું હવે સાકાર થશે

અયોધ્યા તા. ૪ : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજથી શ્રીરામ મંદિર નિર્માણના ભૂમિપૂજનનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. આજે સવારે ૮ વાગ્યાથી રામ અર્ચના સાથે હનુમાનગઢીમાં પૂજાનો પ્રારંભ થઇ ગયો છે. આવતીકાલે કરોડો હિન્દુઓ જેની આતુરતાથી પ્રતિક્ષા કરતા હતા તે શુભઘડી આવશે. આવતીકાલે ભવ્યાતિભવ્ય શ્રીરામ મંદિર નિર્માણના ઐતિહાસિક ભૂમિપૂજનનો સુવર્ણ અવસર છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાનિર્માણનું ભૂમિપૂજન કરવામાં આવશે. વડાપ્રધાન રામલલ્લાના દર્શન પણ કરશે અને 'પારિજાત' વૃક્ષનું રોપણ પણ કરશે. ભૂમિપૂજનના અવસરની તમામ તૈયારીઓ થઇ ગઇ છે. અયોધ્યામાં મહેમાનોના આગમનનો પણ પ્રારંભ થયો છે.

શ્રીરામ મંદિર નિર્માણના ઐતિહાસિક પ્રસંગમાં સહભાગી થવા માટે ૧૭૫ પ્રતિષ્ઠિત અતિથિઓમાંથી ૧૩૫ સંત છે. જેઓ વિવિધ આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે. વિહિપના દિવંગત નેતા અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ કાર્યક્રમના યજમાન રહેશે. કામી - અયોધ્યા - દિલ્હી - પ્રયાગના વિદ્વાનો પણ ઉપસ્થિત રહેશે. અલગ અલગ પૂજાના અલગ અલગ નિષ્ણાંતો છે. પૂરી ટીમ ૨૧ બ્રાહ્મણોની છે જે અલગ રીતે પૂજા કરવાશે.

કાલે ભૂમિપૂજન છે પણ ખુશી અયોધ્યાની સાથે સાથે દેશભરમાં આજથી જ છવાઇ ગઇ છે. ટ્રસ્ટે આજે અને કાલે પૂજન, અનુષ્ઠાન અને સાંજે દીપોત્સવનું એલાન કર્યું છે. રામનગરી આજે રાત્રે દીપોથી ઝગમગી ઉઠશે.

વડાપ્રધાન મોદી કાલે બપોરે રામ મંદિરની આધાર શિલા રાખશે ત્યાં સુધી ભૂમિપૂજનનું અનુષ્ઠાન સતત ચાલતું રહેશે. ભૂમિપૂજન પછી મંદિર નિર્માણ કાર્ય ઝડપથી શરૂ થશે.

અયોધ્યાએ નવા શણગાર સજ્યા છે. સુરક્ષાની પણ ચુસ્ત વ્યવસ્થા કરાઇ છે. સાથોસાથ કોરોના સંકટને કારણે નિયમોની પણ કાળજી રાખવામાં આવી છે. પીએમ કાલે ૧૧.૩૦ કલાકે અયોધ્યા આવશે અને ૩ કલાકનું રોકાણ કરશે. ૧૨ વાગ્યે ભૂમિપૂજન થશે.

અયોધ્યામાં દીવાળી જેવો નજારો છે. લોકો અયોધ્યામાં રંગબેરંગી રોશનીથી દીપોત્સવની ઉજવણી કરી રહ્યા છે. અયોધ્યાના લોકોમાં આનંદ છે. રામ નામના સંકિર્તનનો અવાજ સર્વત્ર ગુંજતો રહે છે. મંદિરની તૈયારીઓ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચંપક રાયે જણાવ્યું હતું કે દેશભરમાંથી ૧૩૫ સંતોને આમંત્રણ અપાયું છે. દેશના દરેક ભાગના લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ રામ મંદિર ભૂમિ પૂજાની વિધિમાં મુખ્ય યજમાન હશે.

ચંપત રાયના જણાવ્યા અનુસાર, રામ મંદિર ભૂમિ પૂજનના કાર્યક્રમમાં મુખ્ય મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત, ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ અને રાજયપાલ આનંદીબેન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હશે. ચાતુર્માસમાં, મંદિરના શિલાન્યાસ અને રામલાલાના લીલા રંગના ડ્રેસને લગતા વિવાદો પર પણ ચંપત રાયે ખુલીને વાત કરી હતી.

તેમણે કહ્યું કે મંદિરના નિર્માણ માટે, મુહૂર્ત પંડિતોએ કાઢ્યુ અને ડ્રેસનો રંગ લીલો ઇસ્લામ નથી, તે લીલોતરી અને સમૃદ્ઘિનું પ્રતીક છે. તેના વિશે કોઈ વિવાદ થવો જોઈએ નહીં. ચંપત રાયે જણાવ્યું હતું કે, મંદિરના નિર્માણ માટે સમાજના દરેક વર્ગનો સહયોગ મળી રહ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે ૫ ઓગસ્ટે મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજનનું મુહૂર્ત જણાવનારા પૂજારીને પણ ધમકીઓ મળી રહી છે. કર્ણાટકના બેલાગવીની પોલીસે પુજારી કે વિજયેન્દ્રની કમ્પલેઈન પર દાવો દાખલ કર્યો છે અને તેમના નિવાસ સ્થાને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

રામ મંદિર માટે ભૂમિપૂજન ૫ ઓગસ્ટે થવાનું છે. પીએમ મોદી મંદિર નિર્માણ માટે શીલાપટ્ટાનું પણ અનાવરણ કરશે. ટ્રસ્ટ તરફથી બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અન્સારીને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે.

(10:00 am IST)