Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

લખનૌ : ભારે વરસાદના લીધે અમૌસી એરપોર્ટ જળબંબાકાર

ભારે વરસાદના કારણે યાત્રીઓને પડતી મુશ્કેલી : ઇમારત ધરાશાયી થવાની ત્રણ અલગ અલગ ઘટનામાં પાંચ લોકોના મોત : બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

લખનૌ,તા. ૪ :  ઉત્તરપ્રદેશમાં ગુરુવારે રાત્રે થયેલા ભારે વરસાદના કારણે પાટનગર લખનૌના ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. વીઆઈપી વિસ્તારમાં ભારે પાણી ભરાઈ જવાના કારણે યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ બિલ્ડિંગની સામે માર્ગો પર પાણી ભરતા ટેક્સી ચાલકોએ મા માંગ્યા પૈસા યાત્રીઓ પાસેથી વસુલ કર્યા હતા. ત્યારબાદ પંપીંગ મશીના મારફતે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. વધુ પ્રમાણમાં પંપીગ મશીનો લગાવવામાં આવ્યા છતાં શુક્રવાર સાંજ સુધી પાણી ભરાયેલું રહ્યું હતું.   ગુરુવારે રાત્રે થયેલા ભારે વરસાદના કારણે અમૌસી એરપોર્ટ સ્થિત વીઆઈપી રોડ પર હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. વરસાદના કારણે એરપોર્ટનો તમામ વિસ્તાર જળબંબાકાર થઇ ગયો હતો. વરસાદના કારણે ઉત્તરપ્રદેશના જુદા જુદા જિલ્લાથી પાણી ભરાવવા અંગે સમાચાર મળી રહ્યા છે. લખનૌમાં ભારે વરસાદના કારણે એક પછી એક ત્રણ ઇમારત ધરાશાયી થયાના અહેવાલો સામે આવ્યા છે. ગણેશનગર, અમીનાબાદ અને હુસૈનગંજમાં પણ એક પછી એક જુની ઇમારતો વરસાદના કારણે ધરાશાયી થઇ હતી. ગણેશનગરમાં ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળમાં દટાઈને એક બાળકીનું મોત થયું છે. અમીનાબાદની દુર્ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે અને બીજા વ્યક્તિ હોસ્પિટલમાં જઇ જતા રસ્તામાં જ મોત થયું હતું જ્યારે હુસૈનગંજ જ્યારે કાટમાળમાં દટાઈ બે લોકોના મોત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઇમારતો જર્જરિત અને છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઇમારતોની હાલત કફોડી બની હતી.

(8:30 pm IST)