Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વેરહાઉસના મેનેજર મગન ઝાલાવડીયાએ ગુજકોટ, નાફેડ અને મંડળીના સભ્યોએ સાથે મળીને મગફળી કૌભાંડનું કાવત્રુ રચ્યુ'તું

રાજકોટ, તા. ૪ :. જેતપુર તાલુકાના પેઢલા ગામે ટેકાના ભાવે ખરીદેલ મગફળીમાં ધૂળ અને પથ્થર મળી આવ્યા બાદ આ પ્રકરણમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની અધ્યક્ષતામાં જુદી જુદી ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેના રીમાન્ડ દરમિયાન અન્ય શખ્સોની પણ સંડોવણી ખુલી છે અને આ પ્રકરણમાં ૨૧ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેની માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી અને જણાવાયુ હતુ કે, વેરહાઉસીંગના મેનેજર મગન ઝાલાવડીયાએ ગુજકોટ, નાફેડ અને મંડળીના સભ્યોએ સાથે મળીને મગફળી કૌભાંડ રચ્યુ હતું.

પેઢલાના મગફળી કૌભાંડમાં માળીયાહાટીના તાલુકાના મોટી ધણેજ સહકારી મંડળીના પ્રમુખ કાળાભાઈ મેસુરભાઈ જેઠવા, ઉપપ્રમુખ નાની ધણેજ ગામના સોનીંગભાઈ બચુભાઈ જુજીયા, મંડળીના મંત્રી કૌશલ ખીમાભાઈ જેઠવા, મંડળીના સભ્યો મુળુભાઈ આલાભાઈ જુજીયા, હમીરભાઈ બાવાભાઈ જેઠવા, રામભાઈ અમરાભાઈ જેઠવા, ખુમાણભાઈ રામભાઈ જેઠવા, સોનીંગભાઈ ઉર્ફે બચુભાઈ જેઠવા, આલીગભાઈ બચુભાઈ જેઠવા, મંડળીનું ટેબલ કામ સંભાળનાર વિરેન્દ્ર બટુકભાઈ કાનાબાર, મંડળીમાં વ્યવસ્થા સંભાળનાર મોઈન કાળુભાઈ મલેક, મંડળીના વહીવટ સાથે જોડાયેલા વિક્રમભાઈ દેવાભાઈ લાખાણી, જીતુભાઈ બચુભાઈ, પડધરી તાલુકાના તરઘડીના રહેવાસી ગુજકોટ કંપની વેરહાઉસના મેનેજર મગનભાઈ નાનજીભાઈ ઝાલાવડીયા, વેરહાઉસના વિનોદ રવજી ટીલવા, નાફેડના જુનીયર કર્મચારી જીજ્ઞેશ ત્રિભોવન ઉજરીયા, નાફેડના જુનીયર ફિલ્ડ પ્રતિનિધિ લખધીરગઢ ગામના રોહીત લખમણભાઈ બોડા, સર્વેયર કેયુર વિનોદ ચૌહાણ અને કાળા જીવાભાઈ જીજીયા સહિતની ધરપકડ કરવામાં આવી છે.

આ તમામ શખ્સો સામે આઈપીસી કલમ ૨૦૧ અને ૪૦૯નો ઉમેરો કરવામાં આવ્યો છે અને કૌભાંડ રચી પુરાવાનો નાશ કરવાની કલમ ઉમેરાઈ છે. રોહીત બોડા નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાનો કૌટુંબીક ભત્રીજો થતો હોવાનું પોલીસે જણાવ્યુ છે.

જે જગ્યાએ ટેકાના ભાવે મગફળી એકત્ર કરવામાં આવતી હતી તે ધાણેજ ગામથી વેરહાઉસ સુધી મગફળી પહોંચાડવામાં આવે તે પહેલા જ રસ્તામાં જ સારી મગફળી કાઢી લેવામાં આવતી હતી અને તેમા ધૂળ અને પથ્થરોનંુ મિશ્રણ કરી દેવામાં આવતુ હોવાનું પોલીસે જણાવ્યુ છે.(૨-૩૦)

(4:34 pm IST)