Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વસુંધરા રાજે સરકાર સામે સરકાર બચાવવાનો પડકાર છે જે સરળ નહીં રહે

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી ભાજપ માટે અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ મિશન?

જયપુર તા. ૪ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદનલાલ સૈનીએ શુક્રવારે દાવો કર્યો કે પ્રદેશમાં ભાજપ ફરીથી સત્તા પર આવશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી મિશન ૧૮૦ પૂરું કરશે. મુખ્યમંત્રી નિવાસથી રાજસ્થાન ગૌરવ યાત્રાના રથને રાજસમંદ માટે રવાના કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા સૈનીએ કહ્યું કે સરકારે જે કલ્યાણકારી કામો કર્યા છે તેના આધારે હવે અમે જનતાને બીજેપીના કાર્યકાળમાં કરવામાં આવેલા કામોની સરખામણી ગત કોંગ્રેસ સરકારના કાર્યકાળનવા કામો સાથે કરવાનું કહીશું.

તેમણે દાવો કર્યો કે સરકાર દ્વારા કરવામાં આવેલા કલ્યાણકારી કામોના આધારે જનતા ભાજપ સરકારને ફરીથી ચૂંટી લેશે. પ્રદેશ ભાજપ પ્રમુખે કહ્યું કે રાજસ્થાન ગૌરવ યાત્રા દરમિયાન અમે જનતાને કહેવા માંગીશું કે કામ કરનારી સરકારને પસંદ કરે. યાત્રાને પાર્ટીને યાત્રા બનાવવા માંગતા નથી પરંતુ જનયાત્રા બનાવવા માંગીએ છીએ. સરકારે પોતાના કાર્યકાળમાં જનતા માટે અનેક લોક કલ્યાણકારી કામો કર્યા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે પોતાની બહુપ્રચારિત 'રાજસ્થાન ગૌરવ યાત્રા' આજથી રાજસમંદના ચારભુજાનાથ મંદિરથી શરૂ કરશે. ચાલીસ દિવસની આ યાત્રામાં તેઓ અનેક જનસભા કરશે અને તેમનો જનતા સાથે સીધો સંવાદ સાધવાનો પ્રયત્ન રહેશે.

રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી તો આ જ ટ્રેન્ડ છે. ભાજપ આ ટ્રેન્ડથી ખુબ પરેશાન છે. પાર્ટીની કોશિશ છે કે આ ટ્રેન્ડને પછાડીને ફરીથી સત્તા પર પાછા આવે. રાજસ્થાનના પ્રવાસે આવેલા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતે આ વાત પર ભાર મૂકતા આશા વ્યકત કરી હતી કે ભાજપ આ ટ્રેન્ડને બદલવામાં સફળ રહેશે.

ભાજપ ૨૦૧૪માં જયારથી સત્તામાં આવ્યો છે ત્યાર પછી ૨૨ રાજયોમાં ચૂંટણી થઈ. જેમાં ભાજપે ૧૪માં સરકાર બનાવી. કર્ણાટકમાં તે બહુમતથી દૂર રહી પરંતુ આ  પહેલી એવી ચૂંટણી હશે જે અનેક પ્રકારે ભાજપની ચિંતા વધારી રહી છે. એક સત્ય એ પણ છે કે ભાજપે મોટાભાગના રાજયો કોંગ્રેસ પાસેથી પડાવ્યાં છે. ફકત ગુજરાત બહુ ઓછા અંતરે બચાવવામાં સફળ રહ્યો છે. રાજસ્થાનમાં ભાજપની પહેલેથી સરકાર છે આવામાં વસુંધરા રાજે સરકાર સામે સરકાર બચાવવાનો પડકાર છે જે સરળ નહીં રહે.

ભાજપને ગત સ્થાનિક ચૂંટણીઓમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીઓમાં લોકોમાં વસુંધરા રાજે સરકાર પ્રતિ નારાજગી જોવા મળી હતી હતી. આવામાં ભાજપ અને સંગઠનનું પૂરેપૂરું જોર શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામીણ ક્ષેત્રો પર છે.(૨૧.૨)

 

(11:57 am IST)