Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ATM ફ્રોડ : તમારા માટે ચેતવણી છે આ ઘટના : ૨૦ લાખનો ફ્રોડ

કોલકાતામાં મચી ગયો ખળભળાટ : પાંચ લોકોની ગેંગ ફ્રોડમાં સામેલ હોવાનો અંદાજ

કોલકાતા તા. ૪ : ત્રણ એટીએમ, ૭૬ પીડિત અને ૨૦ લાખ રૂપિયાથી વધુ (હજુ ગણતરી ચાલી રહી છે) ગુમ. દક્ષિણ કોલકાતાના બેંક કસ્ટમર્સની આંખ ખુલી તો તેમને જાણવા મળ્યું કે, તે દેશના સૌથી મોટા એટીએમ ફ્રોડમાંથી એકના શિકાર થઈ ચૂકયા છે. કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક અને કોટક મહિન્દ્ર બેંકના ખાતાધારકોને કથિત રીતે મેસેજ મળ્યા કે તેમના ખાતામાંથી રૂપિયા ઉપાડવામાં આવ્યા છે અને એવું અલગ-અલગ શહેરમાં થયું છે. અહેવાલો મુજબ ફ્રોડના પીડિતોની સંખ્યા વધી શકે છે.

મંગળવારે આ અહેવાલ મળતા જ સમગ્ર કોલકાતા શહેરમાં હાહાકાર મચી ગયો. લોકો એ જાણવા બેંકો તરફ ભાગ્યા કે તેમના રૂપિયા સુરક્ષિત છે કે નહીં. શહેરના ગરિઆહાટ વિસ્તારથી શરૂ થયેલું આ ફ્રોડ હવે સારોબાર, પાર્ક સ્ટ્રીટ, કસ્બ, બેહાલા, તિલજલા અને બનિયાંપુર સુધી ફેલાઈ ચૂકયું છે અને દરરોજ નવા વિસ્તારોના નામ બહાર આવી રહ્યા છે.

શરૂઆતના અહેવાલો મુજબ, આ કૌભાંડને અંજામ આપવા માટે પાંચ લોકોની ગેંગે છેલ્લા ૪ મહિનાથી પ્લાનિંગ કર્યું હતું. કહેવાઈ રહ્યું છે કે, આ ગેંગે એપ્રિલથી જુલાઈની વચ્ચે બેંક એટીએમોમાં સ્કીમર્સ લગાવ્યા અને ગત સપ્તાહે રૂપિયા ઉપાડ્યા. ઉલ્લેખનીય છે કે, સ્કીમર્સ દ્વારા બેંક કાર્ડસ કોપી કરી લેવામાં આવે છે.

ખાતાધારકોએ કોલકાતાથી હજારો કિલોમીટર દૂર દિલ્હીના પાલિકા બજાર, કાલકાઝી, હૌઝ ખાસની સાથે-સાથે ઝારખંડ અને હરિયાણાના કેટલાક વિસ્તારોના એટીએમોમાંથી રૂપિયા ઉપાડવામાં આવ્યાની ફરિયાદો કરી છે. ફ્રોડનો શિકાર બની રૂપિયા ગુમાવનારામાં ૧૦ બેંક કર્મચારીઓ અને એક સરકારી બેંકના એજીએમ પણ સામેલ છે.

એક ખાતાધારકે જણાવ્યું કે, 'અમે પરિવાર સાથે ભોજન કરી રહ્યા હતા ત્યારે જ પત્નીના અકાઉન્ટમાંથી ૨૦ હજાર રૂપિયા ઉપાડવામાં આવ્યા હોવાનો મેસેજ આવ્યો. તે કંઈ વિચારે કે રૂપિયા કયાંથી અને કોણે ઉપાડ્યા, ફરીથી ૨૦ હજાર ઉપાડ્યા હોવાનો મેસેજ આવ્યો.'

હાલ, બેંકોએ ખાતાધારકોને હૈયાધારણ આપી છે કે, પોલીસને કરાયેલી ફરિયાદ બાદ મળેલી એફઆઈઆરની કોપીના આધાર પર ૭દ્મક ૧૦ દિવસોની અંદર રૂપિયા ગ્રાહકોના ખાતામાં જમા કરી દેવાશે. બીજી તરફ, કોલકાતા પોલીસે ખાસ ટીમ બનાવી છે અને એટીએમોમાં લાગેલા સીસીટીવી ફુટેજ મેળવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી તપાસ કરાયેલા ફુટેજમાં કેટલાક લોકો નકાબ પહેરીને જોવા મળ્યા છે.(૨૧.૩)

 

(11:53 am IST)