Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટઃ ૭૨ કલાકમાં ૮ આતંકીઓ ઠાર

શોપિયાના કિલ્લોરામાં સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં પનો ખાત્મોઃ સેનાને મળી મોટી સફળતા

શ્રી નગર, તા.૪: જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ હેઠળ આતંકવાદીઓ પર ભારતીય સેના કેર બનીને ત્રાટકી રહી છે. શોપિયાંના કિલોરામાં ભારતીય સુરક્ષાદળોની સંયુકત કાર્યવાહીમાં પાંચ આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. તેની સાથે જ ભારતીય સેનાએ છેલ્લા ૭૨ કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં વિવિધ એન્કાઉન્ટરોમાં આઠ આતંકીઓને ઠાર કર્યા છે. શોપિયાંના કિલૂરા વિસ્તારમાં સુરક્ષાદળોએ ઠાર મારેલા આતંકવાદીઓ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના હોવાનો ખુલાસો થયો છે. આ વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છૂપાયેલા હોવાની પણ શકયતા છે.

કિલૂરામાં માર્યા ગયેલા એક આતંકવાદીની ઓળખ ઉમર મલિક તરીકે થઈ છે. તેના મૃતદેહ પાસેથી સેનાએ એકે-૪૭ રાઈફલ જપ્ત કરી છે. કિલૂરા એન્કાઉન્ટરની શુક્રવારે મોડી રાત્રે શરૂઆત થઈ હતી. કિલૂરામાં આતંકવાદીઓની હાજરીના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ બારતીય સુરક્ષાદળોએ આખા વિસ્તારની દ્યેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ભીંસમાં આવેલા આતંકવાદીએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારે જવાબી કાર્યવાહીમાં સેના અને અન્ય સુરક્ષાદળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

સર્ચ ઓપરેશન દરમિયાન સેનાના હવાઈ ફાયરિંગના જવાબમાં આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. માનવામાં આવે છે કે અહીં વધુ આતંકવાદીઓ છૂપાયલા છે અને તેથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્તારમાં તણાવને જોતા ઈન્ટરનેટ સેવાઓ પર રોક લગાવવામાં આવી છે.

ગત ત્રણ દિવસોમાં સેનાએ આઠ આતંકવાદીઓને મોતને ગાટ ઉતાર્યા છે. જેમાં ગુરુવારે કુપવાડામાં બે અને શુક્રવારે સવારે સોપોરમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સોપોર એન્કાઉન્ટરમાં શુક્રવારે સવારે બે આતંકવાદીઓને ઠાર કરવાની કાર્યવાહી દરમિયાન એક જવાન પણ શહીદ થયો હતો. દુરસૂ ગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં ઠાર થનારા બંને આતંકીઓની ઓળખ રિયાઝ અહમદ ડાર અને ખુર્શિદ અહમદ મલિક તરીકે થઈ હતી. ખુર્શિદ અહમદ મલિકને આતંકવાદી બન્યાના માત્ર ૪૮ કલાકમાં ઠાર કરવામાં આવ્યો હતો. ખુર્શિદ અહમદ મલિક બીટેકનો વિદ્યાર્થી હતો. આ કાર્યવાહીમાં સેનાના જવાન સાવર વિજય કુમાર શહીદ થયા છે.

અથડામણમાં શનિવારે સવારે મળેલી સફળતા પર જમ્મુ-કાશ્મીર પોલીસે ડીજીપી એસ. પી. વૈદે સેનાના વખાણ કર્યા છે. એસ. પી. વૈદે ટ્વિટ કરીને આ સફળતાને શાંતિ માટે સારી ગણાવી છે. શ્રીનગરના પંઠાચોકમાંથી સીઆરપીએફ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસઓજીએ બે શકમંદોને બે ગ્રેનેડ સાથે ઝડપી પાડયા છે. બંને શકમંદોને જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવામાં આવ્યા છે. સેનાને ગામના કોઈના દ્યરમાં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા, ત્યારબાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સેનાના જવાનોને જોઈ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ, ત્યારબાદ સેનાએ પણ વળતો જવાબ આપી ફાયરિંગ શરૂ કર્યું અને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે.(૨૨.૧૦)

(11:50 am IST)