Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સરકારની ટીકા કરવા બદલ ચેનલના ટોપના ત્રણ પત્રકારોની નોકરી ગઇ ?

લોકસભામાં ગાજયો મુદ્દો, પ્રધાન કહે છે આ હકાલપટ્ટીને ચેનલની TRP સાથે સંબંધ છે

નવીદિલ્હી તા.૪: ABP ન્યુઝ ચેનલ (હિન્દી) માંથી મેનેજિંગ એડિટર મિલિંદ ખાંડેકર તેમજ એન્કર્સ પુણ્યપ્રસુન વાજપેયી અને અભિસાર શર્માને નોકરીમાંથી કાઢી મુકવાનો મુદ્દો લોકસભામાં ગઇકાલે ગાજયો હતો. એ ત્રણ જણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતો રીપોર્ટ પ્રસારીત કરવા બદલ ચેનલમાંથી બરતરફ કરવામાં આવ્યા હોવાનો આરોપ લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ મૂકયો હતો. ખડેગેના એ આરોપને રદિયો આપતાં માહિતી અને પ્રસારણ વિભાગના પ્રધાન રાજયવર્ધન રાઠોડે જણાવ્યું હતું કે સરકારને હકાલપટ્ટી સાથે સંબંધ નથી અને ચેનલના TRP માં ઘટાડો થતો હોવાથી એ ત્રણ જણને ચેનલમાંથી હટાવવામાં આવ્યા હતાં.

એ ત્રણ જણને હટાવવાના પગલાને પ્રેસ સેન્સરશિપ સમાન ગણાવતાં મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે 'ખેડૂતોની આવક બમણી થઇ હોવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવાની પોકળતા છતી કરતો અહેવાલ બુલેટિનમાં દર્શાવવા બદલ સરકાર ABP ન્યુઝ-ચેનલ પર નારાજ હતી. એથી એના ત્રણ પત્રકારોને હટાવીને ચેનલનું મોઢું બંધ કરવાની કોશિશ કરવામાં આવી હતી. એ ત્રણ જણને કાઢી મૂકવા માટે ચેનલ પર દબાણ કરવામાં આવ્યું હતું.'

BJP એ સત્તા પર આવતાં પહેલાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું. એ વચન પુરું કર્યું હોવાનો દાવો કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ટીવી દ્વારા પ્રસારિત સંવાદમાં સીતાફળની બાગાયતી કરતી છત્તીસગઢની મહિલા ખેડૂત સરકારી અધિકારીઓએ ગોખવેલાં વાકયો બોલી હોવાનું ABP  ન્યુઝ-ચેનલના ' માસ્ટરસ્ટ્રોક' કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું. 'માસ્ટરસ્ટ્રોક' શોમાં સરકારના દાવાની પોલ ખોલતો રીપોર્ટ બ્રોડકાસ્ટ કરવામાં આવ્યા પછી ' માસ્ટરસ્ટ્રોક' ના દરેક પ્રસારણ દરમ્યાન ચેનલ્સના પ્રસારણનો અંધારપટ કરવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

(9:41 am IST)