Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જીએસટી કાઉન્સીલની બેઠક શરૂઃ ઢગલાબંધ રાહતોની સંભાવના

જીએસટીમાં ૧૨ ટકા અને ૧૮ ટકાનો સ્લેબ કાઢી એક નવો ૧૪ ટકાનો સ્લેબ રાખવા વિચારણા થશેઃ ૨૮ ટકાનો સ્લેબ દૂર કરવા હિલચાલઃ દોઢ કરોડના ટર્નઓવર પર સીજીએસટીથી છૂટ મળવાની સંભાવનાઃ નાના વેપારીઓના હિતમાં અનેક નિર્ણયોની શકયતાઃ જોબવર્કના તમામ કામ ૫ ટકાના સ્લેબમાં લવાશેઃ ડીઝીટલ ચૂકવણા પર કેશબેકનો નિર્ણય પણ લેવાય તેવી શકયતાઃ ૨૦ લાખથી ઓછા ટર્નઓવરવાળા એકમોને રજીસ્ટ્રેશનથી છૂટ મળશેઃ બિસ્કીટ, ચોખા, વાસણ વગેરે પરનો ટેકસ ઘટશે

નવી દિલ્હી, તા. ૪ :. નાણામંત્રી પીયુષ ગોયલના વડપણ હેઠળ આજે અહીં જીએસટી કાઉન્સીલની ૨૯મી બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં નાના વેપારીઓના હિતમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ સિવાય ડીઝીટલ પેમેન્ટ પર કેશબેકને લઈને પણ નિર્ણય લેવાય તેવી શકયતા છે. બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાને લઈને ચર્ચા સંભવ છે. એટલુ જ નહિ બેઠકમાં નાના ઉદ્યોગોને મોટી રાહત આપવામાં આવે તેવી શકયતા છે. જે હેઠળ વાર્ષિક દોઢ કરોડ રૂપિયાના ટર્નઓવરવાળા ઉદ્યોગોને કેન્દ્રીય જીએસટી એટલે કે સીજીએસટી આપવો નહી પડે અથવા તો તેઓને રીફંડ મળશે. જીએસટીના સ્લેબ પણ ઓછા થાય તેવી શકયતા છે. એક નવો ૧૪ ટકાનો સ્લેબ પણ આવે તેવી શકયતા છે.

સરકાર જીએસટીના ૨૮ ટકાવાળા સ્લેબને સમાપ્ત કરવા માગે છે તો બીજી તરફ તે ૧૨ અને ૧૮ ટકાના સ્લેબને એક કરવા પણ કામ કરી રહી છે. આ બન્ને સ્લેબની જગ્યાએ ૧૪ ટકાનો નવો સ્લેબ બનાવી શકાય તેમ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધીમે ધીમે ૨૮ ટકાનો સ્લેબ ઘટાડી દેવાશે તેમા હાલ ૩૭ પ્રોડકટ છે.

આજની જીએસટી કાઉન્સીલની બેઠક સંપૂર્ણ રીતે નાના અને મધ્યમ વેપારીઓ ઉપર કેન્દ્રીત હશે. જેમા એમએસએમઈ સેકટરને બુસ્ટર પેકેજ મળવાની સંભાવના છે. સાથોસાથ ડીઝીટલ ટ્રાન્ઝેકશન અને ઈ-પેમેન્ટ પર કેશબેક સ્કીમ અંગે પણ સહમતી બને તેવી શકયતા છે. સૂત્રોના કહેવા મુજબ એમએસએમઈને રાહત પર ૧૦૦ જેટલી ભલામણો રાજ્યમાંથી મળી છે. આ ભલામણોના આધાર પર ઈન્ટર સ્ટેટ વેપાર પર પણ છૂટ મળી શકે છે. અત્યારે ઈન્ટર સ્ટેટ લેવડદેવડમાં જીએસટી રજીસ્ટ્રેશન જરૂરી છે. આ સિવાય એમએસએમઈના ચૂકવણાના એક ભાગનું રીફન્ડ, રીફન્ડની પ્રક્રિયા સરળ બનાવવા, સિંગલ જીએસટી આઈડીથી સમગ્ર દેશમાં વેપાર કરવાની સુવિધા આપવા, ટર્નઓવરની સીમા વધારવા, ત્રિમાસિક રીટર્ન પર દર મહિને ટેકસ ભરવાથી રાહત, અપીલની ફી અડધી કરવા વગેરે અંગે નિર્ણય લેવાય તેવી શકયતા છે.

નાના ઉદ્યોગોને સીજીએસટીથી છૂટ મળે તો લાખો લોકોને રોજગાર આપતી ગ્રામીણ અર્થવ્યવસ્થાને બળ મળશે. સરકારનું માનવુ છે કે, વોશિંગ મશીન, ટીવી જેવી પ્રોડકટ પર ટેકસમાં ઘટાડો અને સીજીએસટીમાં છૂટથી ગામડાથી લઈને શહેરો સુધી ઉપભોગ વધશે. દેશમાં ૬.૩ કરોડ નાના અને સૂક્ષ્મ એકમો છે. જે ૧૧ કરોડ લોકોને રોજગારી આપે છે. આજની બેઠકમાં જોબવર્કના તમામ કામ ૫ ટકાના સ્લેબમાં લાવવા નિર્ણય લેવાય તેવી શકયતા છે. આ ઉપરાંત બિસ્કીટ, ચાવલ, વાસણ, દાળીયા અને રાઈસ બ્રેન ઉપરનો ટેકસ ઘટે તેવી શકયતા છે. ૨૦ લાખથી ઓછા ટર્નઓવરવા ળા એકમોને રજીસ્ટ્રેશનથી છૂટ મળવાની શકયતા છે.

રૂપે કાર્ડ કે ભીમ એપથી ચૂકવણા પર છૂટ આપવા નિર્ણય લેવાય તેવી શકયતા છે. ઈ-પેમેન્ટથી ચુકવણા પર જીએસટીના ૨૦ ટકા અથવા તો વધુમાં વધુ ૧૦૦ રૂ.ની છૂટ આપવાનો નિર્ણય લેવાય તેવી  શકયતા છે.(૨-૨)

(9:38 am IST)