Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

મહારાષ્ટ્રના માલેગાંવની બસને નડ્યો અકસ્માત : 30 જેટલા મુસાફરો સાથે બસ ખીણનાં કોનારે લટકી

ચરણમલ ઘાટ પાસે સાપોલીયા વળાંકમાં અચાનક એસટી બસની બ્રેક ફેલ થતાં બનાવ બન્યો : 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા

નવાપુર તા. 04 : મહારાષ્ટ્રથી સુરત તરફ આવતી એસ.ટી બસને અકસ્માત નડ્યો હતો. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ ચરણમલ ઘાટ પાસે અચાનક એસ.ટી બસની બ્રેક ફેલ થઈ જતાં લોકોના જીવ તાળવે ચોટયા હતા. પરંતુ સદનસીબે થતા બસ ખીણના કિનારે લટકી જતાં લોકોના જીવ બચ્યા હતા.

આ બસ મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત જઈ રહી હતી. ત્યારે રાજ્યની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુર ખાતે સવારે 9.30 કલાક આસપાસ  એસટી બસને અકસ્માત નડ્યો હતો. ચરણમલ ઘાટ પાસે સાપોલીયા વળાંકમાં અચાનક એસટી બસની બ્રેક ફેલ થઈ જતાં બસ ખીણના કિનારે લટકી ગઈ હતી. જેને કારણે બસની અંદર રહેલા 30 જેટલા મુસાફરોએ બુમાબુમ કરી હતી. જ્યારે અકસ્માતમાં 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બ્રેક ફેલ થતાં ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવી દીધો હતો. ત્યારબાદ બસ સીધી ખીણમાં લટકી ગઈ હતી. સદ્ભાગ્યે પથ્થરો હોવાને કારણે બસ લટકી ગઈ હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.  અને તપાસ કરતાં બસની એક્સલ તૂટી જતા બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે એક મુસાફરે કહ્યુ કે, ડ્રાઇવરે બ્રેક મારવાનો ખુબ પ્રયાસ કર્યો પરંતુ બ્રેક ફેલ હોવાને કારણે લાગી નહીં. અકસ્માતને કારણે મુસાફરો ડરી ગયા હતા. તેમણે કહ્યું કે પથ્થરોને કારણે બસ લટકી ગઈ હતી.

(10:41 pm IST)