Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સુશાંત સિંહ રાજપૂતના રૂમમેટ સિદ્ધાર્થ પીઠાનીને મોટી રાહત : 403 દિવસ પછી મળ્યા જામીન

ત્રણ જામીન અપીલ ફગાવવામાં આવ્યા બાદ સિદ્ધાર્થે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો : જસ્ટિસ ભારતી ડાંગરેએ 50,000 રૂપિયાના બોન્ડ પર જામીનના આદેશ આપ્યા

મુંબઈ :  ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા સિદ્ધાર્થ પિઠાનીને રાહત મળી છે. બોમ્બે હાઇકોર્ટે સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ચર્ચામાં આવેલા ડ્રગ્સ કેસમાં ગત વર્ષે ધરપકડ કરાયેલા અભિનેતાના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીને જામીન આપ્યા છે. આ કેસમાં જસ્ટિસ ભારતી ડાંગરેએ 50,000 રૂપિયાના બોન્ડ પર જામીનના આદેશ આપ્યા હતા. મહત્વપૂર્ણ છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ચર્ચામાં ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ગત વર્ષે 28 મેએ સિદ્ધાર્થની ધરપકડ કરી હતી

આ કેસમાં પોતાની ત્રણ જામીન અપીલ ફગાવવામાં આવ્યા બાદ સિદ્ધાર્થે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. અરજી એડવોકેટ અદ્વૈત તામ્હંકર દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં પિઠાની તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેના વિરૂદ્ધ આવા કોઇ પુરાવા નથી, જેનાથી આ સાબિત થઇ શકે કે માદક પદાર્થોની ગેરકાયદેસર તસ્કરીમાં તે સામેલ હતો. તેના વિરૂદ્ધ એનસીપી તરફથી તર્ક આપવામાં આવ્યો કે તેના લેપટોપ અને ફોન પર વીડિયો અને અન્ય પુરાવા છે. સાથે જ સુશાંત સિંહ રાજપૂતના ખાતા દ્વારા બેન્કથી થયેલી લેવડ દેવડ પણ નશીલા પદાર્થની ખરીદી સાથે જોડાયેલી છે.

મહત્વપૂર્ણ છે કે પિઠાની પર અન્ય આરોપની સાથે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સટેંસ અધિનિયમની કલમ 27 એ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પિઠાનીએ પોતાની જામીન અરજીમાં એમ પણ કહ્યુ કે તેના વિરૂદ્ધ કલમ 27 એને ખોટી રીતે લાગુ કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અચાનક મોત બાદ એનસીબીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ શરૂ કરી હતી. આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે તમામ આરોપી જામીન પર બહાર છે. આ મામલે શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, દીપિકા પાદુકોણ, ભારતી સિંહ સહિત કેટલાક બોલિવૂડ કલાકારના નામ પણ સામે આવ્યા હતા .

(8:08 pm IST)