Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ઓનલાઇન દવાના વેંચાણ પર પ્રતિબંધ આવશેઃ ફાર્મસી કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયા દ્વારા કમિટી બનાવાઇઃ ટુંક સમયમાં જાહેરાત કરાશે

ઓનલાઇન દવાઓ દર્દી માટે જોખમીઃ ભારત સિવાય ક્‍યાંય ઓનલાઇન દવા વેંચાતી નથી

નવી દિલ્‍હીઃ ઓનલાઇન દવાના વેંચાણ પર ફાર્મસી કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયાએ એક કમિટી બનાવી સરકારને રજુ કરી પ્રતિબંધ ફરમાવશે. જેની ટુંક સમયમાં જાહેરાત કરાશે. દવાનું વેંચાણ એ ફાર્મસી એક્‍ટનું ઉલ્લંઘન છે. જેમાં નકલી દવા પણ વેંચાય છે. જેથી દર્દીના સ્‍વાસ્‍થ્‍ય પર જોખમ રહે છે.

ઓનલાઈન દવાનુ વેચાણ જોખમી છે. ત્યારે હવે ઓનલાઈન દવાનુ વેચાણ બંધ કરાવવા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કમર કસી છે. ઓનલાઇન દવાના વેચાણ પર પ્રતિબંધ લાદવા કમિટી બનાવવામાં આવી છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કમિટીની રચના કરાઈ છે. આ કમિટી દ્વારા ઓનલાઇન દવાના વેચાણ અંગે સરકારને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે સાથે જ ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવો પ્રયાસ કરશે. 

નિયમ મુજબ દર્દીના કાઉન્સિલ પછી જ દવા અપાય

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનાં પ્રેસિડેન્ટ મોન્ટુ પટેલે આ વિશે કહ્યું કે ઓનલાઇન દવાના વેચાણથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ઓનલાઇન દવાનું વેચાણ એ ફાર્મસી એક્ટનું ઉલ્લંઘન છે. ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશન 2015 નું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઓનલાઇન દવાનું વેચાણ કરવું એ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનું પણ ઉલ્લંઘન છે. નિયમ મુજબ દર્દીના કાઉન્સિલ પછી જ દવા આપવામાં આવતી હોય છે. સમગ્ર દુનિયામાં ઓનલાઇન દવાનું વેચાણ ક્યાંય નથી થતું.

ઓનલાઈન દવાઓ દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમી

સાથે જ તેમણે કહ્યુ કે, દવાના ઓનલાઇન વેચાણને કારણે નકલી દવાઓ પણ દેશભરમાં વેચાઈ રહી છે, જે દર્દીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ઓનલાઇન દવાઓનું જે વેચાણ થાય છે, એમાં સ્ટોરેજ પણ જળવાતું નથી હોતું, જેના કારણે દવાની પોટેંસી ઘટતી હોય છે. દવાની ક્વોલિટી પર પણ અસર થઈ રહી છે, જેના કારણે દવાની અસર પણ દર્દીને થવી જોઈએ એટલી થતી નથી.

તો બીજી તરફ, ભારતમાં 84 દવાઓના ભાવ સરકાર દ્વારા નક્કી કરી લેવાયા છે. સરકારના આ નિર્ણયથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડની દવાઓના ભાવ ઓછા થશે. તો સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ લેવા આદેશ કરાયો છે. જો બજારમાં નિયત કિંમત કરતાં વધુ કિંમતે દવા મળે તો કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે.

(5:18 pm IST)