Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

શિંદે બન્‍યા ‘બાહુબલી' : જીત્‍યા વિશ્વાસનો મત

શિંદે સરકાર ફલોર ટેસ્‍ટની ‘અગ્નિ પરીક્ષા'માં પાસ : તરફેણમાં ૧૬૪ મત પડયા : વિપક્ષને માત્ર ૯૯ : વધુ બે ધારાસભ્‍યો શિંદે સરકારના સમર્થનમાં આવ્‍યા : કોંગ્રેસના ૫ ધારાસભ્‍યો ગેરહાજર

મુંબઇ તા. ૪ : મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે ફલોર ટેસ્‍ટમાં બહુમતી સાબિત કરી છે. આ સાથે શિંદે સેનાએ પણ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની સરખામણીમાં સત્તાની ફાઈનલ જીત મેળવી છે. બહુમત પરીક્ષણે એ વાતની પુષ્ટિ કરી છે કે એકનાથ શિંદે સરકાર પર હાલ કોઈ ખતરો નથી. શિંદે સરકાર ફલોર ટેસ્‍ટની અગ્નિ પરીક્ષામાં પાસ થઇ ગઇ છે. તેમની સરકારના સમર્થનમાં કુલ ૧૬૪ વોટ પડ્‍યા જયારે વિરૂદ્ધમાં ૯૯ વોટ પડ્‍યા. અગાઉ ભાજપ અને એકનાથ શિંદે જૂથના ઉમેદવાર રાહુલ નાર્વેકરે પણ એટલા જ મતો મેળવીને સ્‍પીકરની ચૂંટણી જીતી હતી.

પૂર્વ સીએમ અશોક ચવ્‍હાણ સહિત કોંગ્રેસના ૫ ધારાસભ્‍યો મતદાનમાં ભાગ લઈ શક્‍યા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો નિર્ધારિત સમય પછી વિધાનસભા પહોંચ્‍યા હતા અને ત્‍યાં સુધીમાં દરવાજા બંધ થઈ ગયા હતા. જેથી તેમને મતદાન કરવાની તક મળી ન હતી. તે જ સમયે, પાર્ટીના વ્‍હીપના આધારે શિવસેનાના માત્ર ૧૫ ધારાસભ્‍યોએ સરકાર વિરુદ્ધ મતદાન કર્યું, જયારે ૪૦ ધારાસભ્‍યોએ શિંદે સરકારના સમર્થનમાં મતદાન કર્યું. આટલું જ નહીં આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેની શિવસેના પણ પહેલા કરતા નબળી જોવા મળી હતી. તેમના સમર્થક ધારાસભ્‍ય સંતોષ બાંગર પણ સોમવારે એકનાથ શિંદે સરકારની તરફેણમાં દેખાયા હતા. તેમના સિવાય અન્‍ય વિપક્ષી ધારાસભ્‍ય શ્‍યામ સુંદર શિંદેએ પણ એકનાથ શિંદે સરકારને મત આપ્‍યો હતો.

જયારે બળવાખોર ધારાસભ્‍ય પ્રતાપ સરનાઈકે એકનાથ શિંદે સરકારના સમર્થનમાં મતદાન કર્યું, ત્‍યારે ઉદ્ધવ ઠાકરેને ટેકો આપતા શિવસેનાના ધારાસભ્‍યોએ ED-ED ના નારા લગાવ્‍યા. આ પહેલા એકનાથ શિંદે સરકાર દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર રાહુલ નાર્વેકરને સ્‍પીકરની ચૂંટણીમાં ૧૬૪ વોટ મળ્‍યા હતા. ભાજપના પ્રથમ વખત ધારાસભ્‍ય રાહુલ નાર્વેકરને એકનાથ શિંદે જૂથના ધારાસભ્‍યો, ભાજપ અને કેટલાક અપક્ષ ધારાસભ્‍યોએ ટેકો આપ્‍યો હતો.

(3:44 pm IST)