Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ડયુટી વધતા સોનાની દાણચોરી વધશેઃ દિવાળીમાં ભાવ રૂા.૫૫૦૦૦ થવાની શકયતા

લોકોની ખરીદ શકિત ઘટતા સોનાના વેપારમાં ઘટાડો થશે : સરકારે તાજેતરમાં આયાત ડયુટી ૫ ટકા વધારી છેઃ સરકારનો ઇરાદો આયાત ઘટાડવા અને હુંડીયામણ બચાવવાનો છે

નવી દિલ્‍હી, તા.૪: દેશમાંથી દરેક વસ્‍તુઓની નિકાસમાં વધારો થાય અને આયાતમાં ઘટાડો થાય તે માટે સરકારે સોનાની આયાત પરની ડયૂટી ૧૦.૭૫ ટકાથી વધારીને ૧૫ ટકા કરી દેવાનો નિર્ણય લેતા સોનાની દાણચોરી થવાના કિસ્‍સાઓ વધી જવાની સંભાવના છે. ભારતના બહુધા પરિવારોમાં સોનાની ખરીદી વિના લગ્ન પ્રસંગો અને નાના મોટા બીજા પ્રસંગો ઉજવાતા જ નથી. તેથી સોના પરની આયાત ડયૂટીમાં વધારો થતા તેની દાણચોરી વધી જવાની સંભાવનાને નકારી શકાતી નથી.

સોના પરની ઇમ્‍પોર્ટ ડયૂટી વધારવાના કારણોની ચર્ચા કરતા સોનાના એક ઇમ્‍પોર્ટર જણાવે છે કે સોનાની આયાત પરની ડયૂટી વધારવા પાછળ ભારતનો નબળો પડી રહેલો રૂપિયો છે. અત્‍યારે હૂંડિયામણ બજારમાં ભારતનો રૂપિયો ૭૭.૭૯ની આસપાસ બોલાઇ રહ્યો છે. આગામી મહિનાઓમાં ઘટીને રૂપિયો અમેરિકી ડોલર સામે ૮૦ના તળિયાને સ્‍પર્શી જાય તેવી સંભાવના છે. તેમ થાય તો આયાત પાછળ ભારતે બહુ જ મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ ગુમાવવુ પડી શકે છે. ભારતમાં વર્ષે દહાડે અંદાજ ૮૦૦ થી ૮૫૦ ટન સોનાની આયાત કરે છે. આ સોનું એકવાર ખરીદાયા પછી ખરીદનારની તિજોરીમાં વર્ષો અને દાયકાઓ સુધી પડયુ રહે છે. તેથી તેનાથી અર્થતંત્રને બહુ મોટા ફાયદો થતો નથી. પૈસો ફરતો નથી, તિજોરીમાં કેદ થઇ જાય છે. પરિણામે તેની આયાત ઓછી કરવા અને વિદેશી હૂંડિયામણ બચાવવાનો સરકારનો ઇરાદો છે.

બીજી તરફ ફ્રૂડના ભાવ વધી રહ્યા છે. બેરલદીઠ ભાવ વધીને ૧૨૦ ડોલરને આંબી જવામાં છે. આગામી મહિનાઓમાં ક્રૂડના ભાવ ૧૩૦ અને ૧૪૦ ડોલરની સપાટીને આંબીજ જાય તેવી સંભાવના છે. ૨૦૨૨-૨૩ના વર્ષ માટે ભારતના અર્થતંત્રના અંદાજો ક્રૂડ ઓઇલના ભાવ ૭૫ થી ૮૦ ડોલરની રેન્‍જમાં રહેવાની ધારણા સાથે મૂકવામાં આવેલા છે. તેની સામે ૫૦ ટકા ભાવ વધારાનો આરંભથી જ બોજ વેંઢારી રહી છે. તેની આયાત પણ ઘટાડી શકાય તેમ નથી. ક્રૂડની આયાત ઘટાડે તો દેશના ઉદ્યોગોનો વિકાસ અટકી પડવાની સંભાવના છે. તેથી સોનાની આયાત ઘટાડવા માટે સોના પરની આયાત ડયૂટીમાં ૪.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્‍યો છે. સોનાના બજારમાં તેના ભાવમાં અફરાતફરી પણ વધુ જોવા મળી રહી છે. તેથી પણ આયાત ડયૂટી વધારીને તેની આયાત ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે.

સોનાના ભાવ વધી જતા લોકોની ખરીદ શકિત ઘટી જતા સોનાના કારીગરોને દાગીના બનાવવાના મળતા કામમાં અંદાજે ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો થઇ જશે. તેની સીધી અસર હેઠળ સોનાના કારીગરોની આવકમાં ઘટાડો થઇ જશે. ઘણા કારીગરો નવરા પડી જવાની સંભાવના છે. ભારતમાં સોના ચાંદીના દાગીના બનાવવા માટેના અંદાજે ૨ કરોડ કારીગરો છે. તેમાંથી ૨૦ ટકા એટલે કે અંદાજે ૪૦ લાખથી વધુ કારીગરો એકલા ગુજરાતમાં છે.

ઇમ્‍પોર્ટ ડયૂટીના વધારાની અસર બે મહિના પછી વધારે જોવા મળશે. અત્‍યારે બહુધા સોનીઓ જૂના સોનાના સ્‍ટોકથી જ ચલાવી લેશે. જૂનો સ્‍ટોક વેચાયા પછી નવા આયાતી સોનાનો ઉપયોગ ચાલુ થતા એકથી દોઢ કે બે મહિના સુધી બજાર ડિસ્‍પેરિટીમાં ચાલે તેવી સંભાવનાને પણ નકારી શકાતી નથી. ભારતની આયાત વધારે  છે અને નિકાસ ઓછી છે. તેથી સોના જેવી વસ્‍તુઓની આયાત ઓછી થાય તો ફોરેન એક્ષચેન્‍જના રિઝર્વને ઉંચી સપાટીએ જાળવી રાખી શકાય તે ઇરાદાથી ભારત સરકારે સોનાની આયત પરની ડયૂટીમાં સવા ચાર ટકાનો વધારો કરી દીધાો છે.

(12:06 pm IST)