Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

છ શહેરમાંથી કોલકત્તા માટે વિમાન સેવા સ્થગિત કરાઈ

કોરોનાને કાબુમાં રાખવા પશ્ચિમ બંગાળનો નિર્ણય : મુંબઈ અને દિલ્હી સહિતના છ શહેરોમાંથી આવતા વિમાનો પર ૬ થી ૧૯ જુલાઈ સુધી પ્રતિબંધ લાગુ કર્યો

 નવી દિલ્હી, તા. : દેશભરમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, દિલ્હી તેમજ તામિલનાડુમાં વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં કોવિડ-૧૯ને કાબુમાં રાખવા માટે ઘરેલુ ઉડાનોના કોલકત્તાના એરપોર્ટ પર ઉતરાણ કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે. જેનો અમલ તા.૬ઠ્ઠીથી ૧૯મી જુલાઈ દરમિયાન થનાર છે.

પશ્ચિમ બંગાળ સરકારે દિલ્હી, મુંબઈ, પુણે, નાગપુર, ચેન્નઈ અન અમદાવાદથી કોલકત્તા લેન્ડ થનારી તમામ પેસેન્જર ઉડાનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ફરમાનનો અમલ સોમવારથી ત્રણ સપ્તાહ માટે લાગુ રહેશે. પશ્ચિમ બંગાળમાં કોરોનાના વાયરસનો પ્રકોપ બેકાબુ બને તે માટે નિર્ણય કરાયો છે. નિર્ણય મુજબ દિલ્હી, મુંબઈ, પુણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદ શહેરથી આવનારી ફલાઈટ કોલક્તા લેન્ડ કરી શકશે નહીં હુકમ તા.૬ઠ્ઠીથી ૧૯મી જુલાઈ સુધી લાગુ રહેશે, તેમજ ત્યારબાદ પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને નવો નિર્ણય કરાશે, તેમ રાજ્ય સરકારના સુત્રોએ વધુમાં જણાવ્યુ હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૦,૪૪૮ દર્દીઓ નોંધાયા છે. તેની સાથે વાયરસથી કુલ ૭૧૭ લોકોના મોત થયા છેનાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ પશ્ચિમ બંગાળ સરકારના ફલાઈટ રદ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. ભારતમાં લોકડાઉન બાદ ઘરેલુ વિમાની સેવાનો આરંભ તા.૨૫મી મેથી કરવામાં આવ્યો હતોવિશ્વભરમાં મહામારીનો પ્રકોપ યથાવત રહેતા આંતરરાષ્ટ્રીય ઉડાનો પરનો પ્રતિબંધ હજુય યથાવત રખાયો છે.

(9:45 pm IST)