Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

બે ઇટાલિયન નૌસૈનિકો પર ભારતમાં કેસ નહીં ચાલે

ભારતે માછીમારોની હત્યાનો આરોપ મૂક્યો હતો : હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ કોર્ટે માછીમારોની હત્યાનો કેસ ચલાવવા માટે ભારતની અરજી ફગાવી દીધી

નવી દિલ્હી, તા. : હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ કોર્ટે એનરિકા લેક્સી મામલામાં બે ઈટાલીયન નોકાદળના સૈનિકો પર ભારતીય માછીમારોની હત્યાનો કેસ ચલાવવા માટે ભારતની અરજી ફગાવી દીધી છે. પાંચ સભ્યોની આંતરરાષ્ટ્રીય કોર્ટે ભારતને બંને ઇટાલીયન સૈનિકો વિરુદ્ધની તમામ ગુનાહિત કાર્યવાહી રોકવા આદેશ કર્યો છે. જોકે, કોર્ટે કહ્યું કે ભારત મામલામાં વળતર મેળવવા હકદાર છે. આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ કોર્ટે નિર્ણય તીન-બેની બહુમતીથી આપ્યો છે. મામલામાં ભારતના પીએસ રાવ અને જમૈકાના પેટ્રિક રોબિનસનને બહુમતીથી ચુકાદો આપ્યો છે. ત્રણ અન્ય સભ્ય ઇટાલીના પ્રોફેસર ફ્રાંસેસ્કો ફ્રૈંકોની, દક્ષિણ કોરિયાના જિન-હ્યુન પાઈક કોરિયા અને આંતરરાષ્ટ્રીય કોર્ટના અધ્યક્ષ રશિયાના વ્લાદિમીર ગોલિસ્તીન હતા.

          ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવના કહેવા અનુસાર, આંતરરાષ્ટ્રીય કોર્ટે કહ્યું કે ઈટાલીયન નૌકાદળના બંને સૈનિકોએ આંતરરાષ્ટ્રીય કાનૂનનો ભંગ કર્યો છે અને તેના પરિણામ સ્વરુપ ઇટાલીએ યુએનસીએલઓએસ(સમુદ્ર સંબંધિત કાનૂન પર સંયુક્ત રાષ્ટ્રની સમજૂતિ) હેઠળ ભારતની નોકાદળ વહનની સ્વતંત્રતાનો ભંગ કર્યો છે. શ્રીવાસ્તવનું કહેવું છે કે કોર્ટે ચુકાદો આપ્યો છે કે ભારત જીવનના નુકસાન સહિત અન્ય નુકસાનને લઈને વળતર માટે હદદાર છે. કોર્ટે યુએનસીએલઓએસની જોગવાઈ હેઠળ ભારતીય અધિકારીઓના આચરણને યોગ્ય ઠેરવ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું કે ઘટના પર ભારત અને ઈટાલીની વચ્ચે સમવર્તી અધિકાર ક્ષેત્ર છે અને નૌકાદળની વિરુદધ ગુનાહિત કાર્યવાહી માટે માન્ય કાનૂની આધાર છે.

          ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય કોર્ટે નોકાદળના સૈનિકોને અટકાયતમાં રાખવા માટે ભારતે વળતર આપવું જોઈએ એવો ઇટાલીનો દાવો ફગાવી દીધો છે. દરમિયાન ઇટાલીના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે નોકાદળના બંને સૈનિકોને ભારતીય કોર્ટના ન્યાય ક્ષેત્રમાંથી છૂટવાનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી ૨૦૧૨માં ભારતે ઇટાલીના નોકાદળના બે સૈનિકો પર બે ભારતીય માછીમારોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. બંને સૈનિકોની ભારત ધરપકડ કરી હતી. જોકે, બાદમાં સુપ્રીમ કોર્ટે ૨૦૧૪માં એકને અને મે ૨૦૧૬માં દ્વતિીય ઇટાલીયન સૈનિકને શરતી જામીન આપ્યા હતા અને ઇટાલી પરત જતા રહ્યા હતા, ત્યારબાદ બંને પરત ભારત આવ્યા નથી.

(9:44 pm IST)